“ ભરૂચની અસંખ્ય દુર્ઘટનાઓનો એક પત્ર…..અમોને એક અત્યાધુનિક હોસ્પિટલ તો આપો “
• જે કાર્ય બે બે ટર્મથી તેમજ ચાર-પાંચ ટર્મથી ચૂંટાયેલા જન પ્રતિનિધીઓએ કરવાનું હોય તે તબીબી સારવાર માટેની અતિ આધુનિક હોસ્પિટલ માટે ૧૫૧-વાગરા વિધાનસભા હરીફ ઉમેદવાર કમલેશ મઢીવાલાએ કરવું પડે…? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારવા જેવી ગંભીર બાબત છે કે નહિ…!!!
• હાલમાં મુલેર ખાતે બનેલી દરિયાના ભારતીના પાણીમાં ડૂબી જવાની ઘટના ની સાથે સાથે ભરૂચ જીલ્લામાં પણ ઔદ્યોગિક એકમોમાં અસંખ્ય ઘટના બની હોવા છતાં પણ એક નહિ પરંતુ જ્યાં પણ ઉદ્યોગે સ્થપાયા છે ત્યાં CSR સી.એસ.આર. ફંડ વાપરીને પ્રાથમિકતાના ધોરણે સુવિધા ઉપલબ્ધ થવી જરૂરી.
• દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલને અને જરૂરીયાત મુજબની “ અત્યાધુનિક હોસ્પિટલ ” વાગરા તાલુકામાં બનાવવામાં નહીં આવશે તો જનજાગૃતિના ભાગરૂપે વાગરા તાલુકાના લોકોના હિતમાં ટૂંક સમયમાં યોગ્ય ઝુંબેશ શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચરી છે.
• કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ પક્ષના શાસનમાં ભરૂચમાં ઔદ્યોગિક એકમોની ભરમાર વિસ્તરી રહી છે અબજો રૂપિયા રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્રની તિજોરીમાં ભરૂચ નું મહત્વનું યોગદાન રહ્યું છે પરંતુ ભરૂચમાં સારી અને અત્યાધુનિક હોસ્પિટલ બનાવવાનો કોઈને કેમ વિચાર આવતો નથી…?
• ઔદ્યોગિક એકમોમાં અનેક દુર્ઘટનાઓમાં આજ દિન સુધી કામદારોનાં ભોગ લેવાયા તેમ છતાં સરકાર તો સરકારને પણ ઔદ્યોગિક એકમોના એસોસિયેશન ને પણ સારી અત્યાધુનિક સારાવાલ મળી રહે તેવી હોસ્પિટલ બનાવવાની સુઝબુઝ કેમ નથી…?
• મોટા ભાગની દુર્ઘટનાઓમાં એકમો હોય કે તેમના પરિવારોને સુરત, અમદાવાદ કે વડોદરા અથવા મુંબઈ લઇ જવા સિવાય કોઈ વિકલ્પ મળતો નથી કેવી કમનશીબી…? ત્યાં રસ્તામાં જ કેટલાય હતભાગી “ ટેલન્ટ માનવકૃતિઓ ” પાંચ માહાભુતમાં અકાળે વિસરાઈ જાય છે અને તેમના પરિવારોને માથે ટપલી માર્યા સિવાય કે આક્રંદ કે નિસાસા નાંખવા સિવાય કશું હાથ લાગતું નથી..!!! ત્યારે આવા નીસાસાને આશા માં બદલવા માટે ભરૂચમાં અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હોસ્પિટલ ની જરૂર છે.
• આ બાબતે ગંભીર નોંધ લઈને ૧૫૧-વાગરા વિધાનસભા હરીફ અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાલા કે જેઓ એડવોકેટ છે તેમને મુખ્ય મંત્રી, આરોગ્ય મંત્રી તેમજ જીલ્લા કલેકટર ને વાગરા તાલુકામાં અત્યાધુનિક હોસ્પિટલ બનાવવા બાબત તથા દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દહેજ હોસ્પિટલ પ્રોજેક્ટની તપાસ સમિતિ નીમી તપાસ કરાવવા અંગે તાત્કાલિક ધોરણે વિવિધ મુદાઓ ઉઠાવી ઈ-મેલ કરી રજૂઆત કરી છે.
• અતિ ઝેરી કેમિકલ એકમોની ભરમાર ઉભી તો કરવામાં પરંતુ જળ-જમીન અને વાયુ થી પ્રદુષિત ભરૂચનાં નાગરિકોને “લીવેબલ” ભરૂચ નશીબમાં ક્યારે …? માત્ર હરખ પદુડા અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને વ્હાલા થવામાં નેતાઓ અને અમલદારો જેટલું શુરાતન બતાવે છે તેટલું ખરા અર્થમાં “લીવેબલ” ભરૂચ બનાવવામાં દૂરદર્શી દ્રષ્ટી ભરૂચના નાગરિકોને કેમ અનુભવાતી નથી…?
• ક્લાઈમેટ ચેન્જ ની લુખ્ખી વાતો નાં વડાં સિવાય ભરૂચનાં નાગરિકોને “લીવેબલ” એટલે કે રહેવા જેવું શું મળ્યું છે માત્ર વિકાસની પારાશીશી નહિ નાગરિકેને મળતા હક્ક અને અધિકારો સંવૈધાનિક રીતે માત્ર ૨૦ થી ૨૫ ટકા પાય તો ય ભયો ભયો ..પરંતુ ક્લાઈમેટ ચેન્જ, હ્યુંમેન રાઈટ્સ અને લીવેબલ ભરૂચના ત્રિવેણી સંગમમાં એક પણ સંગમમાં ભરૂચના નાગરિકોને સાચા અર્થમાં સ્નાન કરવાનું નશીબમાં જ નથી…? કેવી કરુણતા …?
• તેમાંય સત્તાપક્ષ અને વિપક્ષ પણ ભરૂચના આ મહત્વના પ્રશ્ને નાપાનીયો સાબિત થયેલ છે તે આવી અસંખ્ય દુર્ઘટનાઓ તેની સાક્ષી પૂરે છે.
પ્રતિ,
(1) માન. મુખ્યમંત્રીશ્રી,
(2) માન. આરોગ્યમંત્રીશ્રી,
(3) કલેક્ટરશ્રી ભરૂચ
વિષય :
વાગરા તાલુકામાં અત્યાધુનિક હોસ્પિટલ બનાવવા બાબત તથા દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દહેજ હોસ્પિટલ પ્રોજેક્ટની તપાસ સમિતિ નીમી તપાસ કરાવવા બાબત.
સવિનય સહ જણાવવાનું કે,
વાગરા તાલુકામાં દહેજ, વિલાયત, શાયખા GIDC, SEZ અને PCPIR વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. ભારત ભરમાં એક્સપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથમ આવ્યો છે, તેમાં પણ વાગરા તાલુકાનો સિંહફાળો રહ્યો છે. વિકાસની સાથે સાથે
આ વિસ્તારમાં અવર નવાર ઔદ્યોગિક અકસ્માતો થતાં રહે છે. ઔદ્યોગિક પ્રદુષણને કારણે પણ લોકોના આરોગ્ય પર ઘણી આડઅસરો જોવા મળી રહી છે. દરેક ગામડે કેન્સર, ફેફસાં અને ચામડીના રોગો પુષ્કળ પ્રમાણમાં વધી રહેલા છે. જે સ્થાનિક લોકો અને તેમનું ભવિષ્ય ભોગવી રહેલું છે. તેમ છતાં આ વિસ્તારના લોકો માટે સમયસર યોગ્ય સારવાર કરાવવા માટે વાગરા તાલુકામાં એકપણ સારી અત્યાધુનિક હોસ્પિટલ નથી. પણ આવા સોનાની ખાણ જેવા વિસ્તારમાં સારી અત્યાધુનિક હોસ્પિટલ કેમ નથી ? એ પણ આ વિસ્તારના લોકો માટે અને નિષ્ઠુર નેતૃત્વ માટે એક મોટો સવાલ ઉભો છે.
આવા સવાલો જ્યારે જ્યારે હોસ્પિટલની ઇમરજન્સી જરૂર પડે તેવી કોઈ મોટી જાનહાનિ બની જાય ત્યાંરે જ લોકોના મનમાં ઉભા થાય છે અને લોકો તરફથી યોગ્ય સ્થળે રજુઆતો પણ કરવામાં આવે છે. લોકો તરફથી વારંવાર રજૂઆતો થયા પછી પણ સત્તાધીશો માટે થોડા દિવસો પછી “રાત ગઈ બાત ગઈ”
અનુભવે આવું જ જોવા મળ્યું છે.
દહેજ, વિલાયત, સાયખા GIDC, SEZ અને PCPIR વિસ્તાર આવેલો છે, તેવા વાગરા તાલુકાના લોકોની રજૂઆતો સાથે યાદ અપાવું છું કે,
GIDC એ પ્લોટ નં. E-47 ક્ષેત્ર: 10000 ચો.મી. (107,600 ચો.ફૂટ) જમીન મંજુર કરી, એસ/36 ક્ષેત્ર: 8903 ચો.મી. (95,796.28 ચો. ફૂટ) જમીન તા: 06 જૂન 2012 ના દિવસે ₹ 1/-ચો.મી.ના ટોકન ભાવે
દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દહેજને હોસ્પિટલ પ્રોજેક્ટ માટે ફાળવણી કર્યાને આજે 11-વર્ષ થવા આવ્યા છે.
હોસ્પિટલ માટે જમીન ફાળવણીની ઉદ્દેશ એજ હોય શકે કે, સ્થાનિક લોકોને ઇમરજન્સી માં આ હોસ્પિટલ કામ માં આવે.
તેમ છતાં પણ વાગરા તાલુકાને યોગ્ય રાજકીય નેતૃત્વ વગર એક સારી અત્યાધુનિક હોસ્પિટલ અત્યાર સુધી મળી નથી.
આ વિસ્તારમાં અનેક વાર ઈમરજન્સીમાં હોસ્પિટલની જરૂર પડી છે, પણ દરેક બનાવ વખતે ભોગ બનનારને ભરૂચ શહેરની હોસ્પિટલોમાં સારવાર આપવા માટે લાવવામાં આવે છે. પણ દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલ ઇમરજન્સીમાં કોઈવાર કામ લાગ્યું હોય, તેવા સમાચાર કોઈવાર મળ્યાં નથી, એવું કેમ…???
ઘણીવાર ભોગ બનનારને બનાવવાળા વિસ્તારથી ભરૂચ મુકામે હોસ્પિટલમાં એડમીટ કરાવવા દરમિયાન રસ્તામાં કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવવાના દાખલા જોવા મળ્યા છે.
વૈશ્વિક શાખ ધરાવતા આપણા વાગરા તાલુકાનું ઔદ્યોગિક પ્રદુષણ, ઔદ્યોગિક અકસ્માતો ની સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં સારી અત્યાધુનિક હોસ્પિટલના અભાવે વારંવાર નાક કપાઈ રહ્યું છે.
આજે ફરી વાગરા તાલુકાના મુલર ગામના 5 માસુમ લોકોના ડૂબી જવાથી જીવ ગયા, તેમાં 1 બાળકીનો જીવ ભરૂચ હોસ્પિટલમાં ગયો, જો વાગરા તાલુકાના સ્થાનિક વિસ્તારમાં સારી હોસ્પિટલ હોત અને ત્યાં જ તે માસુમ બાળકીને સમયસર સારવાર મળી ગઈ હોત, તો તે માસુમ બાળકીને જીવનદાન મળી ગયું હોત. એવું નજરે જોનાર જાગૃત લોકોએ સ્થળ પર અનુભવ્યું હતું.
એટલે આજે 5 લોકોનો જીવ ગયો ત્યારે ફરી લોકોને, મીડિયાને, અધિકારીઓને, બધાને (નિષ્ઠુર નેતાઓ સિવાય) ને હોસ્પિટલનો મુદ્દો યાદ આવ્યો છે.
પણ હું 151 વાગરા વિધાનસભાનું ઇલેક્શન અત્યાધુનિક હોસ્પિટલો બનાવવામાં આવશે તેવા મારા મેનિફેસ્ટો સાથે જ લડેલો હતો. પણ જેની પાસે સત્તા છે તેમણે કટકી મળે તેવા કામો સિવાય આવા ઇમરજન્સી મુદ્દાઓ પણ ક્યારેક ધ્યાન આપ્યું જ નથી.
દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલ પ્રોજેક્ટ સંબંધિત કેટલાંક મહત્વના મુદ્દાઓની તપાસ થવી જરૂરી છે.
તપાસના મુદ્દા :-
1. હોસ્પિટલ ચાલે છે ખરી ? કે માત્ર નામની છે ?
2. ચાલે છે તો જમીન ફાળવણીને 11- વર્ષ થવા આવ્યા, તેમ છતાં કોઈપણ ઇમરજન્સીમાં કામ કેમ નથી આવતી ?
3. ફાળવણી થયેલી 95,796.28 ચો. ફૂટ જમીનનો મોટો ભાગ વપરાયા વિનાનો તો નથી ? કે અન્ય ખાનગી વપરાશ કરી અન્ય ખાનગી લાભો મેળવાય છે ?
4. દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દહેજ તરફથી આ હોસ્પિટલ માટે કેટલા ₹ ખર્ચ કરવામાં આવ્યો છે ?
5. હોસ્પિટલમાં કેટલાં ડોક્ટર છે ? શું તે નિયમિત નથી ? જો નિયમિત છે તો હાજર રહેતાં નથી ? ઘર બેઠાં પગાર ની આપ-લે થાય છે ? કે અનેક જગ્યાએ પ્રેકટીસ કરી અનેક જગ્યાએ થી પગાર મેળવે છે ? કે સાથે ખાનગી હોસ્પિટલ લઈને બેઠાં છે ?
6. ડેઇલી કેટલા સ્ટાફની હાજરી હોય છે ? કે સ્ટાફ ફક્ત ચોપડે બોલે આવે છે ? ચોપડે બોલતો સ્ટાફ અન્ય સ્થળે કામ, નોકરી કરી અન્ય સ્થળેથી પણ પગાર મેળવે છે ?
7. દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી લિ. દહેજ ના જવાબદાર પદાધિકારીઓને આ હોસ્પિટલ પ્રોજેકટનો વિકાસ કરવામાં રસ નથી કે શું ? અને કેમ ?
8. દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલ દહેજ માં સારવારના સાધનોનો અભાવ છે કે નથી ? હોસ્પિટલના સાધનોનું સ્ટોક પત્રક શું સ્થિતિમાં છે ?
9. દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલ દહેજ માં ક્યાં ક્યાં થી CSR ની કેટલી રકમ મળી ? તેનો કેટલો, શું ઉપયોગ થયો, કે કેમ ?
10. આપ સાહેબને યોગ્ય લાગે તે બીજા મુદ્દાઓની જરૂરી તપાસ.
ઉપરના મુદ્દાઓ સંબંધિત યોગ્ય તપાસ સમિતિની નિમણુંક કરી હું તપાસ કરાવવાની આપ સાહેબ સમક્ષ માંગ મુકુ છું અને વાગરા તાલુકાના સ્થાનિક વિસ્તારમાં જ્યાં એક કરતાં વધુ સારા અત્યાધુનિક હોસ્પિટલો ની જરૂર છે, ત્યાં કમસેકમ એક સારું અત્યાધુનિક હોસ્પિટલ વાગરા તાલુકામાં બનાવવામાં આવે તેવી માંગ મુકું છું અને દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલ સંબંધી યોગ્ય તપાસ કરાવીને તે દરેક સમયે કોઈપણ ઈમરજન્સીમાં કામ આવે તેવી અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવે તેવી માંગ મુકું છું.
જો દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર હોસ્પિટલને અને બીજી સારી અત્યાધુનિક હોસ્પિટલ વાગરા તાલુકામાં બનાવવામાં નહીં આવશે તો જનજાગૃતિના ભાગરૂપે વાગરા તાલુકાના લોકોના હિતમાં ટૂંક સમયમાં યોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવશે, તેની પણ આપ સાહેબને વિનંતી સહ રજુઆત કરું છું.
કમલેશ એસ. મઢીવાલા-એડવોકેટ
વેજલપુર, બંબાખાના, ભરૂચ-392001.
મો.નં. 99343 52696.
(૧૫૧-વાગરા વિધાનસભા અપક્ષ હરીફ ઉમેદવાર)