SC યુવાનોનું કૌશલ્યવર્ધન કરવાને બદલે મિનિસ્ટરે પોતાનનું કૌશલ્યવર્ધન કર્યું !
પછાત વર્ગના લોકો/ SC-અનુસૂચિત જાતિના લોકો આગળ આવે તે માટે એક જ રસ્તો છે શિક્ષણ. શિક્ષણ વિના રોજગારી પણ ન મળે ! ગુજરાતમાં અનુસૂચિત જાતિનાં યુવક-યુવતીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવા માટે ‘સંત શિરોમણિ રવિદાસ ઉચ્ચ કૌશલ્યવર્ધક તાલીમ યોજના’ના તત્કાલીન મુખ્યમંત્રીએ 2010માં પ્રારંભ કર્યો હતો. રોજગારી થકી અનુસૂચિત જાતિના કુંટુંબની આવકમાં વધારો કરી, તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી, તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હેતુ હતો. તાલીમ માટે જુદી જુદી સંસ્થાઓની પસંદગી થઈ હતી. આ યોજનાનો અમલ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા થાય છે.
કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસના સેક્રેટરી વાલજીભાઇ પટેલે વિજિલન્સ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી છે કે “કૌશલ્યવર્ધક યોજના માત્ર કાગળ પર અમલ કરી, કોઈને રોજગાર અપાવ્યા વિના જ રુપિયા 123 કરોડ ખાઈ જનાર સંસ્થાઓને મંત્રી ઈશ્વર પરમારે છાવરેલ હતી ! ઓડિટર કે. એસ. બ્રહ્મક્ષત્રિયે ગેરરીતિઓના પુરાવા રજૂ કર્યા તો મંત્રી ઈશ્વર પરમારે ગેરરીતિ કરતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ઓડિટરને જ દૂર કરી દીધા ! એટલું જ નહીં, મંત્રીએ ‘વહિવટી હુકમ’ કરી ઓડિટરનો અહેવાલ રદ કરવા આદેશ કર્યો અને તરત જ કરોડો રુપિયાના બિલોનું ચૂકવણું પણ થઈ ગયું ! તાલીમાર્થીઓને એકત્ર કરવા અખબારમાં જાહેરખબર આપવાની જોગવાઈ હતી, પરંતુ કોઈ સંસ્થાએ જાહેરખબર આપેલ ન હતી ! છતાં ચિત્ર એવું ઊભું કરવામાં આવ્યું કે સેંકડો તાલીમાર્થીઓ ઉમટી પડ્યા હતા; બધાંએ તાલીમ મેળવી લીધી અને તાલીમાર્થીઓને નોકરી પણ મેળવી આપી ! વાસ્તવમાં બનાવટી રેકર્ડનું આ કૌભાંડ હતું. ગુજરાત અનુસૂચિત જાતિના ડાયરેક્ટરની કચેરી/ જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટરની કચેરી અને તાલીમી સંસ્થાઓ વચ્ચેનું કાવતરું હતું. તેમણે કાગળ ઉપર જ તાલીમ વર્ગ બનાવ્યા; કાગળ પર જ તાલીમ આપી; નોકરી અપાવ્યાના બનાવટી રીપોર્ટ ઊભા કરી એકબીજાના મેળાપીપણામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.”
વાલજીભાઈએ પોતાના પત્ર સાથે નોકરી અપાવ્યાના બનાવટી પ્રમાણપત્રોની દસ્તાવેજી માહિતી આપી છે. ગોધરાની President Hyundai કંપનીએ લેખિતમાં કબૂલ કર્યું કે ‘અમે 11 તાલીમાર્થીઓને નોકરી આપી નથી !’ ગોધરાની Shree Raj Apparel કંપનીએ લેખિતમાં કહ્યું કે ‘અમે 12 તાલીમાર્થીઓને નોકરી આપી નથી !’ આવા કુલ 36 કિસ્સાઓના દસ્તાવેજી પુરાવા એકત્ર કરીને વાલજીભાઈએ પત્ર સાથે જોડ્યા છે ! 2014થી 2018-19 સુધીમાં 123 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે ! વાલજીભાઈએ RTI હેઠળ જુદા જુદા જિલ્લામાંથી માહિતી એકત્ર કરી આ પર્દાફાશ કર્યો હતો.
થોડાં મુદ્દાઓ : [1] માની લઈએ કે મંત્રી ઈશ્વર પરમાર દેવદૂત હતા; તો તેમની ફરજ કૌભાંડી તાલીમ સંસ્થાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની હતી કે નહીં? શામાટે તેમણે અનિયમિતતાઓ/ કૌભાંડનો પર્દાફાશ કરનાર ઓડિટરને દૂર કર્યા? શામાટે ઓડિટરના અહેવાલને રદ કર્યો? [2] શું કોઈ મંત્રી ‘વહિવટી આદેશ’ કરી શકે? શામાટે ખાતાના સચિવે આવો આદેશ ન કર્યો? [3] કોઈ પણ જ્ઞાતિ/જાતિના મિનિસ્ટર પોતાની જ્ઞાતિનું શોષણ શામાટે કરતા હશે? શું મંત્રી બની જતાં પોતાના સમાજને ભોગવવી પડતી હાલાકીઓ ભૂલી જતાં હશે? જે મંત્રી પોતાની જ જ્ઞાતિનું આટલું શોષણ કરતા હોય તે બીજી જ્ઞાતિઓનું કેટલું શોષણ કર્યું હશે? 2012 પહેલાં ઈશ્વર પરમાર રીક્ષા ચલાવતા હતા; 2023માં તેમની પાસે અમેરિકામાં 4 મોટેલ છે અને બીજી સંપતિઓ અલગ ! શું SC યુવાનોનું કૌશલ્યવર્ધન કરવાને બદલે મિનિસ્ટર ઈશ્વર પરમારે પોતાનનું કૌશલ્યવર્ધન નથી કર્યું? શું આ બાબતે નાગરિકોએ જાગૃત થવાની જરુર નથી?[4] નાગરિકના ટેક્સના પૈસા કૌભાંડીઓ ખાઈ ન જાય તે સરકારની જવાબદારી નથી? અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના કલ્યાણ માટેના નાણાં વેડફનાર સામે કડક કાર્યવાહી શામાટે થતી નથી? જ્યારે આધારપુરાવા સાથે રજૂઆત કરવામાં આવે છે છતાં FIR શામાટે નોંધાતી નથી? ભ્રષ્ટ નેતા સત્તાપક્ષનો હોય એટલે સરકારે/ પોલીસે એને છાવરવાનો? વિજિલન્સ કમિશનર/ ACB શું નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા જ છે? [5] આ માત્ર ભ્રષ્ટાચારનું કૃત્ય નથી; પરંતુ હજારો અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના અધિકારને છીનવી લેતું કૃત્ય છે; સરકાર આ બાબતે સંવેદનશીલ કેમ નથી? શું ડબલ એન્જિનની સરકાર આવું કૌભાંડ અટકાવી ન શકે? [6] શું આ SC-અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી નથી? તેમના કલ્યાણ માટેના કરોડો રુપિયા સ્વાર્થી સંસ્થાઓ/ સુપરવાઈઝરી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ખાઈ જાય અને તે અંગે ઓડિટર લેખિતમાં વાંધો ઊઠાવે છતાં તેમને નાણાં ચૂકવાઈ જાય; આ કેવું તંત્ર? શું આ કૌભાંડ/ભ્રષ્ટાચાર/ ખોટું રેકર્ડ ઊભું કરવા અને તે સાચું છે તે રીતે રજૂ કરી સરકાર સાથે છેતરપિંડી કરવા સબબ મંત્રી ઈશ્વર પરમાર/ સંબંધિત તાલીમી સંસ્થાઓના માલિકો/સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી તેમને જેલમાં પૂરવા ન જોઈએ?rs