સ્વામિનારાયણના 5 સ્વામીઓને ફાંસીની સજા કેમ થઈ હતી?
[પાર્ટ-1]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1/5 ડીસેમ્બર 2022ના રોજ યોજાવાની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા ફાંટાઓના સાધુઓ/સ્વામિઓ સત્તાપક્ષને વોટ આપવા હકિભક્તોને ઉપદેશ આપી રહ્યા છે ! પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ડો. જ્ઞાનવત્સલ સ્વામી સત્તાપક્ષના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયે પહોંચી ગયા ! કેટલાંક સ્વામીઓ વ્યાસપીઠ ઉપર બેસીને હરિભક્તોને લાલચ આપે છે કે “સત્તાપક્ષને મત આપશો તો અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળશે ! સત્તાપક્ષ તો ભગવાનનો પક્ષ છે !” બીજા સ્વામીઓ ડર બતાવે છે કે “જો સત્તાપક્ષને મત નહીં આપો તો પેલા (મુસ્લિમો) ઘરમાં આવીને મારી જશે !” સોશિયલ મીડિયામાં સાધુઓ/સ્વામીઓ સત્તાપક્ષ તરફે ઝનૂનપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી સભાના મંચ ઉપર સ્વામીઓની હાજરી હેય છે. સવાલ એ છે કે કિસાન આંદોલન વેળાએ/ દલિતો-વંચિતો પરના અત્યાચાર વેળાએ મૌન રહેનાર ચૂંટણી વેળાએ સત્તાપક્ષની તરફેણમાં આ સ્વામીઓ શામાટે ઊતરી પડતા હશે? તેઓ હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરી રહ્યા છે; તેઓ માને છે કે વિપક્ષ હિન્દુ વિરોધી છે ! વિપક્ષના નેતાઓ મંદિરે જાય છે, તે આ સ્વામીઓને દેખાતું નહીં હોય? શામાટે સ્વામીઓને સત્તાપક્ષ પ્રત્યે લગાવ હશે? સત્તા સાથે રહેવાથી મીઠાં ફળ મળે તે લાલચ જ હશેને? આ લાલચના કારણે સ્વામીઓને બેરોજગારી/મોંઘવારી દેખાતી નથી ! જો કે સ્વામીઓ, હરિભક્તોના પરિશ્રમનું ખાતા હોય છે એટલે તેમને બેરોજગારી/ મોંઘવારીનો અહેસાસ ન થાય ! જો શ્રદ્ધાળુ લોકો માનતા હોય કે આ સાધુઓ ત્યાગી છે/સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધજા ફરકાવે છે; તો તે ભ્રમ છે ! સ્વામિનારાયણ સંપ્રદાયનું અસલ ચરિત્ર વડતાળ સ્વામિનારાયણ મંદિરના ગદાધરાનંદ સ્વામીની કરપીણ હત્યામાં જોવા મળે છે ! આ હત્યાથી કેટલાંક ભ્રમ ભાંગી જાય છે : [1] બ્રહ્મચર્ય ઉત્તમ નથી. બ્રહ્મચર્ય સ્વામીઓમાં વિકૃતિ ઊભી કરે છે. [2] સ્વામીઓ ધન/સુખસગવડોથી દૂર રહી શકતા નથી. [3] ત્યાગની વાતો/વિવેકની વાતો/વ્યસનથી દૂર રહેવાની વાતો હાથીના દાંત છે. સ્વામીઓને ધન/ સત્તા/વિવેકહીન સંબંધો/જુગાર-દારુ-સ્ત્રીસુખ ગમે છે ! તે માટે ગમે તે હદે જવાનું ! [4] કોઈને લાંચ આપવી/લાંચ સ્વીકારવી. ભ્રષ્ટાચાર કરવો ! [5] કોઈ પણ ભોગે ધન/સત્તાની લાલસા સંતોષવા અપહરણ/હત્યા જેવા અધમ કૃત્યો કરવા !

વડતાળ મંદિર ટ્રસ્ટી બોર્ડના ચેરમેન, ગદાધરાનંદ સ્વામીની હત્યા શામાટે થઈ હતી? કોણે કરી હતી? કેવી રીતે હત્યા કરી? કઈ રીતે આ હત્યા કેસના આરોપીઓ પકડાયા? તેની હકીકત ચોંકાવનારી છે. 3 મે, 1998ના રોજ ચેરમેન ગદાધરાનંદ સ્વામી એકાએક ગૂમ થઈ ગયા. ઊહાપોહ થઈ ગયો ! તેઓ કુલ 36 મંદિરોના વડા હતા. 5 મે ના રોજ પોલીસે ગૂમ થયાની નોંધ કરી તપાસ આદરી. લોકલ પોલીસ/ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ/ રાજ્યની CID ક્રાઈમ પણ ગદાધરાનંદ સ્વામીનું પગેરું મેળવી શક્યા નહીં. ત્રણ મહિના જતા રહ્યા. ગદાધરાનંદ સ્વામીના શિષ્ય જતિન ભગતે તપાસ CBIને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે 5 ઓક્ટોબર 1998ના રોજ, તપાસ CBIને સોંપી. CBIએ પ્રાથમિક તપાસ કરી 29 ઓક્ટોબરના રોજ નવેસરથી FIR નોંધી તપાસ શરુ કરી. CBIને નક્કર માહિતી મળતી ન હતી. તે મંદિરની આજુબાજુ તથા રાજ્યમાં કોઈ બિનવારસી ડેડબોડી મળેલ છે કે કેમ; તેની તપાસ કરતી હતી. દરમિયાન CBIને માહિતી મળી કે 300 કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બારોઠી ગામે 4 મે 1998ના રોજ એક અડધી સળગેલી બિનવારસી લાશ મળી હતી અને તેનું પોસ્ટમોર્ટમ કરી લાશના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. લાશની નજીક ભગવા કપડાંના ટુકડા હતા, એક જનોઈ હતી, તેની સાથે ચાવીનો જૂડો હતો અને લાશ પાસેથી સોનાના બે દાંત મળી આવ્યા હતા. રાજસ્થાન પોલીસે લાશ પાસેથી મળેલ મુદ્દામાલ સાચવી રાખ્યો હતો. CBIને ગૂમ થયાની તારીખ અને લાશ મળ્યાની તારીખ પરથી ખબર પડી કે આ લાશ ગદાધરાનંદ સ્વામીની છે. CBIએ લાશના તે સમયના ફોટોગ્રાફ્સ અને મુદ્દામાલ કબજે કર્યો. ચાવીના જૂડાથી વડતાલ મંદિરમાં ગદાધરાનંદ સ્વામીના રૂમનું તાળું ખોલવામાં આવ્યું તો ખુલી ગયું ! એટલું જ નહીં, રૂમની અંદરની તિજોરી પણ તે જૂડામાં રહેલી ચાવી વડે ખુલી ગઈ; અંદરનો ઓરડો પણ ખૂલી ગયો. આમ બધા તાળાની ચાવીઓ તે જૂડામાં હતી; તેથી નક્કી થયું કે લાશ ગદાધરાનંદ સ્વામીની જ હતી ! દાંતના નમૂના/ લાશના હાડકાનો તેમના પૂર્વાશ્રમના બહેનના DNA સાથે ટેસ્ટ કરાવ્યો. સેમ્પલ મેચ થયા !

હવે હત્યારા સુધી પહોંચવું CBI માટે સરળ હતું ! આ હત્યાથી કોને લાભ થવાનો હતો તે તરફ તપાસ આગળ વધારી.મંદિરમાં બે જૂથ હતા; એક આચાર્ય પક્ષનું જૂથ; બીજું દેવ પક્ષનું. આચાર્ય જૂથ એટલે સહજાનંદજીએ પોતાના ભત્રીજાઓને મંદિરનો વહિવટ સોંપેલ છે તે જૂથ. આચાર્ય જૂથ માને છે કે ભગવાન સ્વામિનારાયણ/સહજાનંદજીનું લોહી આચાર્યની નસોમાં વહે છે, તેથી મંદિરનો વહિવટ આચાર્ય જૂથે કરવો જોઈએ. જ્યારે દેવ જૂથ માને છે કે મંદિર કોઈની પૈતૃક સંપત્તિ નથી, તે હરિભક્તો/સાધુઓની છે; તેથી મંદિરનો વહિવટ દેવ જૂથે કરવો જોઈએ. ગદાધરાનંદ સ્વામી દેવજૂથમાં હતા. તેમણે હત્યાના 30 દિવસ પહેલા ટ્રસ્ટમાં વડતાળ મંદિરના કોઠારી ભક્તિદાસ સ્વામી સ્વામીની બદલી કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ 84 વરસના હતા, અશક્ત હતા; તેથી મંદિરનો બધો વહિવટ કરી શકે તેમ ન હતા. તેમના સહાયક તરીકે નારાયણ સ્વામી હતા. આ નારાયણ સ્વામીના ચાર અંગત મદદનીશ હતા : ચરણદાસ સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ સ્વામી/વિજય ભગત ! ગદાધરાનંદ સ્વામીના નિર્ણયથી આચાર્ય જૂથના સ્વામીઓમાં ઉહાપોહ થયો. તેમને ડર હતો કે મંદિરના ધર્માદાના રૂપિયામાં કરોડોની ઘાલમેલ કરી છે, તેનો ભાંડો ફૂટી જશે ! પોતાની સામે ઉચાપતની કાર્યવાહી થશે ! તેથી નારાયણ સ્વામીએ; પોતાના અંગત મદદનીશ માધવપ્રસાદ સ્વામી અને ચરણદાસ સ્વામી મારફતે ગદાધરાનંદ સ્વામીને લાંચની ઓફર કરી કે તમે કોઠારી સ્વામીની બદલી ન કરો/ તમોને દર મહિને 1 લાખ રુપિયા મળી જશે/ મોજશોખ પૂરા કરાશે; સુરક્ષિત જગ્યાએ સ્ત્રીસુખની વ્યવસ્થા કરીશું ! પરંતુ ગદાધરાનંદ સ્વામી ટસના મસ ન થયા. છેવટે નારાયણ સ્વામીએ, ગદાધરાનંદ સ્વામીનો કાંટો કાઢી નાખવાની જવાબદારી ચરણદાસ સ્વામીને સોંપી. ચરણદાસ સ્વામીએ 5 લાખમાં માધવપ્રસાદ સ્વામીને સોપારી આપી. મંદિરમાં દર પૂનમે 15/20 લાખનો ધર્માદો આવતો હતો; વર્ષે 25 કરોડથી વધુ દાન આવતું હતું. તેથી તેના વહિવટની લાલચ મૂકી શકાય તેમ નહતી ! CBIને નારાયણ સ્વામી પર શંકા ગઈ; કેમકે તે રાજામહારાજની જેમ ઠાઠથી રહેતા હતા/સ્ત્રીસુખના શોખીન હતા/એર-કન્ડિશન્ડ કાર/તેમના ત્રણ એર-કન્ડિશન્ડ રુમ/ રિક્લાઈનર સોફા/ જુગારનો શોખ/ રુમમાં પોર્ન ફિલ્મો જોવાની સગવડતા હતી ! CBIએ નારાયણ સ્વામી/ચરણદાસ સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ સ્વામી/વિજય ભગતની આકરી પૂછપરછ કરી; એટલે હત્યાનો ભાંડો ફૂટી ગયો. આ પાંચ સ્વામીઓ; ગદાધરાનંદ સ્વામીને 3 મે 1998ના રોજ કારમાં આણંદ જિલ્લાના નાવલી ગામના સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા હતા; ત્યાં તેમને ઘેનની ગોળી વાળું ઠંડું પીણું આપી બેહોશ કરેલ. પછી માધવપ્રસાદ સ્વામી/ વિજય ભગતે કપડાંથી ગળે ટૂંપો દઈ દીધો ! લાશને ઠેકાણે પાડવા તેને કારમાં નાખી; રાજસ્થાન તરફ કાર મારી મૂકી. બારોઠી ગામ પાસે સૂમસામ જગ્યા દેખાતા લાશને કારમાંથી કાઢી, તેની પર પેટ્રોલ છાંટી સળગાવી. ભડકો થતાં કોઈ આવી જશે તે ડરના કારણે ત્યાંથી ભાગીને વડતાળ મંદિરે પરત આવી ગયા. પાંચેય સામે IPC કલમ-302 (હત્યા), 120-બી (કાવતરું), 364 (અપહરણ), 201 (પુરાવાનો નાશ) હેઠળ નડિયાદ સેશન્સ કોર્ટના જજ સીતાબહેન દવે સમક્ષ કેસ ચાલ્યો અને 11 જૂન 2004ના રોજ પાંચેયને ફાંસીની સજા સંભળાવી !rs

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?