ભરૂચના યાત્રિકોને ગાળો આપી તેમનો સામાન ચોરી ઝપાઝપી કરી નોંધારા છોડી ફરાર થઈ જનાર રાજકોટની ટ્રાવેલર્સ કંપની સામે ગ્રાહક તકરાર કમિશનનો દાખલારૂપ ચુકાદો
— ટુરીઝમ સાથે જોડાયેલા ટ્રાવેલર્સ અને ધાર્મિક સ્થળોનો પ્રવાસ ઉપાડનાર રાજકોટના ટુર ઓપરેટર દ્વારા યાત્રાળુઓને પડતી અગવડ, સુવિધામાં ખામી, ચોરી, ઝઘડા બાબતે ભરૂચ ખાતે અશ્વિન બી. મિસ્ત્રી મારફતે ફરીયાદ કરવામાં આવી હતી.
ભરૂચ, તા.
લેભાગુ ટુર માલિકો, યાત્રાળુઓ સાથે રંગીન પેમ્ફલેટ છપાવી આકર્ષક ડિસ્કાઉન્ટની લાલચ આપી યાત્રાળુઓ, પ્રવાસીઓને છેતરતાં હોય છે. અા પ્રકારના એક કિસ્સો હાલમાં ભરૂચ ગ્રાહક તકરાર કમિશન પાસે ઉપસ્થિત થયો હતો.
ભરૂચના રમેશભાઈ મંડપવાલા કે જેઓ જય અંબે ટ્રાવેલ્સ થકી યાત્રા પ્રવાસનું આયોજન કરે છે. તેમણે તેમના સમાજ માટે અમરનાથની યાત્રાના માટે એક ટૂરનું આયોજન કર્યું હતું. જોકે બસ જેટલા યાત્રિકો ન નોંધાતા નિયત તારીખે યાત્રાળુઓની સંખ્યા ઓછી પડતા રમેશભાઈએ આવી જ અમરનાથયાત્રાની ટુર ઉપાડનાર રાજકોટની જે.ટી.સી. હોલીડેઝ પ્રા.લી.ના માલિક તેજસ પારેખ સાથે સંપર્ક કરી તેઓની પ્રવાસ માટે ઉપાડનાર બસમાં ભરૂચના તમામ યાત્રાળુઓની સીટ બુકીંગ કરાવેલી. જે માટે જે.સી.ટી. હોલીડેઝ દ્વારા પ્રવાસી દીઠ રૂપિયા ૧૨૦૦૦ લઈ સુખદ, આરામદાયક, વિના તકલીફ-પરેશાનીની તમામ સગવડો સાથેનો યાત્રા પ્રવાસ કરાવવાની ખાત્રી અને ભરોસો આપેલો.
જો કે, આ પ્રવાસ દરમિયાન યાત્રાળુઓને મુસીબતો, તકલીફો અને અગવડો પડી હતી. ભરૂચના યાત્રાળુઓ સાથે જે.સી.ટી. ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર, ટુરીઝમના મેનેજર સહિતના લોકોના અવ્યવહારુ વર્તન અને માનસિક તેમજ શારિરીક ત્રાસના બનેલ બનાવથી યાત્રાળુઓ હતપ્રભ થયા હતા. તેમની ધાર્મિક લાગણીને પણ ઠેસ પહોંચી હતી. બધા ખટરાગ વચ્ચે તેઓ સંપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક મનથી તેમની યાત્રા પણ પુરી કરી શક્યા ન હતા. અહીં સુધી કે ટુરના ડ્રાઈવર સહિતના કર્મચારીઓએ ભરૂચના યાત્રિકોને અધવચ્ચે છોડીને ફરાર પણ થઈ ગયા હતા.
આ આઘાતજનક કિસ્સાને કારણે ૧૦ જેટલા યાત્રાળુઓએ કોર્ટ મારફતે ન્યાય મળે તે માટે ભરૂચના એડવોકેટ શ્રી અશ્વિન બી. મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ શ્રી અશ્વિન મિસ્ત્રીએ ટ્રાવેલ્સના માલિકને નોટીસ આપ્યા બાદ ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દસ જેટલી અરજીઓ દાખલ કરી હતી.
ગ્રાહક તકરાર નિવારણ કમિશને ભરૂચની જય અંબે ટ્રાવેલ્સના માલિક રમેશભાઈ મંડપવાલાના સોગંદનામા તથા અન્ય યાત્રાળુઓની ફરીયાદ અરજીની હકીકતો તથા વકીલની રજુઆતના આધારે નોંધ કરી હતી કે, ભરૂચના ટુર ઓર્ગેનાઈઝર સહિતના યાત્રાળુઓ સાથે રાજકોટની જે.સી.ટી. ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા યાત્રા માટે પુરેપુરી રકમ લઈ કરાર મુજબ યાત્રામાં સગવડો -સુવિધાઓ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ટુર દ્વારા મુકેલ બસના ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ પણ યાત્રાળુઓના સામાનની સુરક્ષા પુરી ન પાડતા નૈતિક ફરજ ચુકી ગયા હતા. ઉપરાંત યાત્રાળુઓ સાથે ઝઘડો કરી તેમને માનસિક ત્રાસ આપેલ હતો. અહીં સુધી કે તેમને અધવચ્ચે અપમાનિત કરી ઉતારી પાડી યાત્રા પુરી કરાવ્યા વિના ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આમ, તમામ હકીકતો, રજુઆતો, પુરાવાઓ ગ્રાહ્ય રાખી ગ્રાહક કમિશને પોતાના ચુકાદામાં જે.સી.ટી. ટ્રાવેલર્સ તમામ ભરૂચના ગ્રાહકોને પ્રત્યેક ગ્રાહક દીઠ રૂા.૧૦,૦૦૦/- નું ખર્ચ અપાવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત પ્રત્યેક બુકિંગ દીઠ રૂા.૨૫૦૦/- માનસીક ત્રાસના અને રૂા.૨૫૦૦/- કાનૂની ખર્ચના પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.
જય અંબે ટ્રાવેલ્સના રમેશભાઈએ જણાવ્યું હતું કે, બિલાડીની ટોપની જેમ ફુટી નીકળેલ ઘણી ટુર-ટ્રાવેલ્સવાળાની લોભામણી જાહેરાતો તેમજ મસમોટા વાયદા કરી આકર્ષણ ઉભું કરે છે. ત્યારબાદ યાત્રા પ્રવાસમાં પહોંચી ન વળતા યાત્રાળુઓ અગવડોનો ભોગ બનતા તેમને છેતરાયાની લાગણી થાય છે. આવા લેભાગુ ટુર ઓર્ગેનાઈઝરોથી બચવાની તાતી જરૂર છે.