રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક, રા.સ્વ.સંઘ) દ્વારા આપવામાં આવી.
વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સમરસ અને સંગઠિત હિન્દુ સમાજનું નિર્માણ
હિન્દુ સમાજ અનાદિ કાળથી જેનો ઉદ્દેશ્ય માનવ એકતા અને વિશ્વ કલ્યાણ છે એવી એક સુદીર્ઘ અને અવિસ્મરણીય યાત્રામાં સાધનારત છે. તેજસ્વી માતૃશક્તિની સાથે સંતો, ધર્મગુરુઓ અને મહાપુરુષોના આશીર્વાદ અને પ્રયત્નોને કારણે આપણું રાષ્ટ્ર અનેક ઉતાર-ચઢાવ આવવા છતાં સતત આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રીય જીવનમાં કાળક્રમે આવી ગયેલા અનેક દોષોને દૂર કરી ભારતને એક સંગઠિત, ચારિત્ર્યસંપન્ન અને સક્ષમ રાષ્ટ્ર તરીકે પરમ વૈભવ સુધી લઈ જવાના હેતુથી પરમ પૂજનીય ડૉ. કેશવ બલીરામ હેડગેવારે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યનો આરંભ કર્યો. સંઘ કાર્યનું બીજારોપણ કરતા ડૉ. હેડગેવારે દૈનિક શાખાના રૂપમાં વ્યક્તિ નિર્માણની અનોખી પદ્ધતિ વિકસાવી જે આપણી શાશ્વત પરંપરાઓ અને મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટેની નિઃસ્વાર્થ તપસ્યા બની. ડૉ. હેડગેવારના જીવનકાળ દરમિયાન સંઘકાર્ય રાષ્ટ્રવ્યાપી બન્યું. દ્વિતીય સરસંઘચાલક પૂજનીય શ્રી ગુરુજી (માધવ સદાશિવ ગોલવલકર) ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં શાશ્વત ચિંતનના પ્રકાશમાં કાળસુસંગત યુગાનુકુલ રચનાઓના નિર્માણની પ્રક્રિયાનો આરંભ થયો.
સો વર્ષની આ યાત્રામાં સંઘે દૈનિક શાખા દ્વારા પ્રાપ્ત કરેલા મૂલ્યો દ્વારા સમાજનો અતૂટ વિશ્વાસ અને સ્નેહ પ્રાપ્ત કર્યો છે. આ કાલખંડમાં સંઘના સ્વયંસેવકોએ પ્રેમ અને આત્મીયતાના બળ પર માન-અપમાન અને રાગ-દ્વેષથી ઉપર ઊઠીને સૌને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કર્યો. સંઘકાર્યની શતાબ્દીના અવસરે અમારું કર્તવ્ય છે કે જેમના આશીર્વાદ અને સમર્થન દરેક પરિસ્થિતિમાં અમારી શક્તિ બન્યા તે આદરણીય સંતો અને સમાજની સજ્જન શક્તિને, પોતાનું જીવન સમર્પિત કરનારા નિઃસ્વાર્થ કાર્યકરો અને મૌન સાધનામાં રત સ્વયંસેવક પરિવારોનું સ્મરણ કરીએ.
સૌહાર્દપૂણ વિશ્વ બનાવવા માટે ભારત પાસે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓને પરિણામે અનુભવથી પ્રાપ્ત જ્ઞાન ઉપલબ્ધ છે. આપણું ચિંતન ભેદભાવપૂર્ણ અને આત્મઘાતી પ્રવૃત્તિઓથી માનવને સુરક્ષિત રાખીને ચરાચર વિશ્વમાં એકત્વની ભાવના અને શાંતિ સુનિશ્ચિત કરે છે.
સંઘનું માનવું છે કે ધર્મના અધિષ્ઠાન ઉપર આત્મવિશ્વાસથી ભરપૂર સંગઠિત સામૂહિક જીવનના આધારે જ હિન્દુ સમાજ પોતાના વૈશ્વિક દાયિત્વોને પ્રભાવી રીતે નિભાવી શકશે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારના મતભેદોને નકારતા સમરસતાયુક્ત આચરણ, ર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર આધારિત મૂલ્ય-લક્ષી પરિવાર સ્વ-બોધથી ઓતપ્રોત અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સમાજનું ચિત્ર નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ. આના આધાર ઉપર આપણે સમાજના તમામ પ્રશ્નોનું સમાધાન, પડકારોને ઉત્તર આપતા ભૌતિક સમૃદ્ધિ તથા આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ સમર્થ રાષ્ટ્રીય જીવન નિર્માણ કરી શકીશું.
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સજ્જન શક્તિના નેતૃત્વમાં સમગ્ર સમાજને સાથે લઈને વિશ્વ સમક્ષ ઉદાહરણરૂપ સમરસ અને સંગઠિત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે.