*“૨૧મી સદીનું અભિનવ ભાષ્ય” વિષય ઉપર જ્ઞાનસભર વિચારો વ્યક્ત કરતા સંસ્કૃત મર્મજ્ઞ ડો.ગજેન્દ્ર પંડા*
૦૦૦૦૦૦
• *દેવભાષા સંસ્કૃત તમામ ભાષાની જનની અને સંસ્કારોની ભાષા છે*
• *બીએપીએસ સંસ્થા ૨૧મી સદીની વિશ્વની અજોડ સંસ્થા:*
– – : *ડો.ગજેન્દ્ર પંડા*
*જંબુસરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ*
૦૦૦૦૦
જંબુસરઃ- જંબુસર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે એલ.ડી.આર્ટસ કોલેજ-અમદાવાદના સંસ્કૃત વિભાગના વડા ડો.ગજેન્દ્ર પંડાએ “ર૧મી સદીનું અભિનવ ભાષ્ય” વિષય પર મનનીય પ્રવચન રજૂ કર્યું હતું. ડો.ગજેન્દ્ર પંડાએ વ્યાખ્યાનમાં પ્રમુખસ્વામી અને મહંતસ્વામીની પ્રેરણાથી ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચાયેલાં ‘સ્વામિનારાયણ સિદ્ધાંતસુધા’ ગ્રંથની રચના થકી થઇ રહેલાં યુગકાર્ય વિશે, સ્વામિનારાયણ ભાષ્યની વિશેષતા ઉપર અને વાદગ્રંથનો પરિચય અને મહત્તા જેવા ગૂઢ મુદ્દાઓ વિશદ્દ છણાવટ કરી હતી.
વિદ્યાર્થી જીવનમાં ૬ સુવર્ણચંદ્રક વિજેતા, ૧૯૮૭માં રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત, ઓસ્ટ્રેલિયા, યુ.એસ.એ, યુ.કે, કેન્યા, થાઇલેન્ડ, દુબઇ, કેનેડા, જર્મની વગેરે ૩૧ દેશોની મુલાકાત કરનાર અને વિશ્વભરના એક લાખ લોકોને સંસ્કૃત ભાષા શીખવવાનું લક્ષ્ય ધરાવનાર એવા ડો. ગજેન્દ્ર પંડાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત તમામ ભાષાની જનની અને સંસ્કારોની ભાષા છે. જેમ બાળક પોતાની માતા પાસે સુરક્ષિત રહે છે, એવી રીતે સંસ્કૃત ભાષાના પ્રસાર-પ્રચારથી વિશ્વની દરેક ભાષા સુરક્ષિત રહેશે. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો આ જ ભાષામાં લખાયા છે, જે આપણા ગૌરવાન્વિત ઈતિહાસ અને અતિ પ્રાચીન સંસ્કૃતિની સદા જીવંત રાખી રહ્યા છે.
પરિવારનો કુળદિપક હોશિયાર હોય તો તેને સારંગપુર ખાતે સંસ્કૃત ભાષા શીખવા મોકલજો એવો સૌને અનુરોધ કરતા તેમણે વિશ્વાસપૂર્વક કહયું હતું કે, આગામી સમયમાં સંસ્કૃત ક્ષેત્રમાં સંપૂર્ણ વિશ્વમાં એક હજાર પ્રોફેસરો પેદા થશે.
ડો.ગજેન્દ્ર પંડાએ પોતાની રસાળ શૈલીમાં અક્ષરપુરૂષોત્તમ દર્શનમ ભાષ્યની વિસ્તૃત વિગતો જણાવી હતી. તેમણે સંસ્કૃત જ્ઞાનની સાથે સાથે વેદ ઉપનિષદનું પણ સાચું જ્ઞાનદર્શન કરાવ્યું હતું. આ વેળાએ અ્ક્ષરપુરૂષોત્તમ ઉપાસનાનું પણ મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાની વાતમાં બીએપીએસ સંસ્થા ૨૧મી સદીની વિશ્વની અજોડ સંસ્થા છે. આસ્થા અને શ્રધ્ધાને ઉંચાઈ આપતી આ સંસ્થા દેશની ધાર્મિક, સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવામાં અગ્રતાક્રમે રહી છે તેમ જણાવતા પૂ પ્રમુખસ્વામી મહારાજ અને પૂ.મહંત સ્વામી મહારાજના જીવન-કવનની વાતો જણાવી જીવનમાં ચરિતાર્થ કરવા ઉપસ્થિત ભકત સમુદાયને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ સાધુશ્રી જ્ઞાનવીર સ્વામીએ ડો.ગજેન્દ્ર પંડાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રારંભે સાધુશ્રી જ્ઞાનવીર સ્વામીએ ડો.ગજેન્દ્ર પંડાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાવિકજનો, ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા.
-૦૦૦-