વાગરા: કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી અસંખ્ય ઊંટ મોતને ભેટ્યા, કલાકો બાદ પણ તંત્ર ન પહોંચી શક્યું..
ચાંચવેલ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી 30 ઊંટના મોત..
20 કલાકથી વધુનો સમયગાળો વીતવા છતાંય તંત્ર પહોંચ્યું નથી..
વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી અંદાજીત 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા હોવાની વિગતો બહાર આવી છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણની પથારીએ છે. જો સમયસર સારવાર આપવામાં તો બાકી રહેલ ઊંટને બચાવી શકાય તેમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં 30 ઊંટના મોત નિપજ્યા હોવાની જાણ થતાં મીડિયા ટીમ ઘટના સ્થળે પોહચી હતી. બનાવ અંગે પૂછતાં માલધારી રહેમાનભાઈ અલ્લારખા ભાઈ જત જેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈ કાલે બપોરે એટલે કે 21 મી મેં ના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં તેઓ પોતાના અંદાજીત 75 ઊંટને લઈને ચાંચવેલ ગામ તળાવ ખાતે પાણી પીવડાવવા માટે જઈ રહ્યા તે સમયે ચાંચવેલ ગામની સીમમાં ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું. જે કેમિકલ યુક્ત પીવાથી તેમજ કેમિકલ વાળા પાણીમાં આળોટવાથી 30 જેટલા ઊંટ તડપી તડપીને મોતને ભેટ્યા હતા. માલધારી રહેમાન ભાઈએ જણાવ્યું હતું કે આ કેમિકલ ONGC ની લાઈનમાંથી લીકેજ થયું છે. જેના કારણે મારા 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા છે. અંદાજીત 15 લાખથી વધુનું નુકસાન થતા માલધારી રહેમાન ભાઈના માથે આભ તૂટી પડ્યું છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણ વચ્ચે છે જેમને સમયસર સારવાર મળી જાય તો બચેલા ઊંટને બચાવી શકાય તેમ છે.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બપોરે 2 વાગ્યે ઘટના બની હતી. જેની જાણ માલધારી રહેમાન ભાઈએ ચાંચવેલ ગામના સરપંચને જાણ કરેલ હતી. પરંતુ આ લખાય રહ્યું છે. ત્યાં સુધી વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું ન હતું. ચાંચવેલ ગામના સરપંચ સાથેની ટેલિફોન વાતચીતમાં સરપંચે જણાવ્યું હતું કે બનાવની જાણ મને મોડી સાંજે કરવામાં આવી હતી. અને મને ચોક્કસ લોકેશન મને ખબર ન હોવાને કારણે મેં તંત્રને જાણ કરેલ ન હતી. ત્યાર બાદ તપાસ કર્યા બાદ મને લોકેશનની જાણ થતાં મેં આજે સવારે એટલે કે 22 મી મેં ના રોજ વાગરા મામલતદારને બનાવ અંગે જાણ કરી છે. તેમ તેઓએ જણાવ્યું હતું. ગઈ કાલથી જીવન મરણ વચ્ચે કેટલાક ઊંટ સારવારની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો તેમને બચાવી શકાય તેમ છે.