ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે ફરવા ગયેલા બંને યુવાનો ડૂબ્યા; એકનો મૃતદેહ મળ્યો, અન્યના મૃતદેહની શોધખોળ ચાલું
અંકલેશ્વરમાં આવેલી પાનોલી GIDCના મહારાજા નગર પાસે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસ તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એકના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
અંકલેશ્વર પાનોલી GIDCના સંજાલી ગામમાં રહેતા ઓમ પ્રકાશ રાજ બહાદુરસિંગ અને મનોજ રામસજીવન ગૌતમ મહારાજા નગર જીઆઈડીસીની નર્સરી પાસે પસાર થતી નહેર નજીક ફરવા માટે ગયા હતા. આ સમય દરમિયાન ઓમ પ્રકાશ રાજ બહાદુરસિંગ નાહવા પડતા નહેરના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી ત્યાં રહેલા મનોજ રામસજીવન ગૌતમ એ તેને બચાવવા માટે નહેરમાં ઝંપલાવ્યું હતું. જોકે તે પણ નહેરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થળ ઉપર લોક ટોળાં ઉમટી પડ્યા હતાં. બનાવની જાણ અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે કરતા પોલીસ કાફલો તેમજ રેસ્ક્યુ ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. તરવૈયાની મદદથી નહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં બચાવવા પડેલા યુવાન મનોજ રામસજીવન ગૌતમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ડૂબી જનાર યુવકના મૃતદેહની હજુ સુધી શોધખોળ ચાલુ છે. પોલીસે એક યુવકના મૃતદેહના પીએમ અર્થે ખસેડી બીજાના મૃતદેહની તપાસ ચાલુ રાખી છે.