ભરૂચના લલાટે વધુ એક કૌભાંડ : માટી, રેતી અને હવે કોલસા કૌભાંડ : કોલસાના ધંધામાં ઘણાના હાથ કાળા ?
પેટા : ડમ્પરમાંથી અસલી કોલસો કાઢી લઇ ડુપ્લિકેટ કોલસો કે કાળી માટી અને પત્થર ભરી દેવા:
ભરૂચ, તા.૧૭
ભરૂચના દહેજ પંથકમાં કોલસાની હેરાફેરીનું ઘણું મોટું કૌભાંડ નજીકના ભવિષ્યમાં બહાર આવે તેવી શકયતાઓ છે. આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટરો, ડ્રાઇવરો, કંપનીના કર્મચારીઓ અને પીઆર કક્ષાના અધિકારીઓ સંડોવાયા હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ દહેજની એક મોટી કંપનીમાંથી ડમ્પરો ભરીને કોલસા ઉઠાવાય છે. આ ટ્રાન્સપોર્ટ પણ વાગરા તાલુકાના એક વ્યક્તિની માલિકીની હોવાનું કહેવાય છે. આ ટ્રાન્સપોર્ટર સૌરાષ્ટ્રના એક ટ્રાન્સપોર્ટરના ડમ્પરો પણ ભાડે લઇને દોડાવે છે તેવું કહેવાય છે. દહેજની કંપનીમાંથી કોલસો ભરીને વાગરા તાલુકાની એક ફેક્ટરીમાં ઠાલવવામાં આવે છે.
તાજેતરમાં બે ડમ્પરો વાગરાની કંપનીમાં કોલસો ઠાલવવા ગયા ત્યારે કંપનીના અધિકારીને શંકા પડતાં તેમણે લેબટેસ્ટ કરાવ્યો, જેના રીઝલ્ટથી તેઓ ચોંકી ઉઠ્યા. કોલસામાં પથ્થરો અને કાળી માટીની મોટી મિલાવય જોવા મળી.
ડમ્પરના ડ્રાઇવરોએ પોતના બચાવમાં એવું કહ્યું હોવાનુ જાણવા મળ્યું કે કિમ ચોકડી પર ડમ્પરમાંથી દસેક ટન જેટલો કોલસો કાઠી લેવાતો અને માટી પથ્થ મિક્સ કરીને વજન સરભર કરી લેવાતું. કાઢી લેવાયેલો કોલસો વેચી દઇ તેમાંથી નાણાં ઉભાં કરી લેવાતાં.
આ કામ માટે ડમ્પરના ડ્રાઇવરોને પંદરસો રુપિયા ચુકવવામાં આવતાં હતા. આ અંગે તપાસ ચાલી રહી છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી નથી.
બોક્સ.. સુડી-સમની નજીક કંપનીમાં પણ કોલસા કૌભાંડ ?
ભરૂચ જીલ્લાને ભ્રષ્ટાચાર અનુકૂળ આવી ગયો હોય તેમ લાગે છે. વાગરા ઉપરાંત જીલ્લાના સુડી-સમની પાસે પણ આવું જ કોલસા મિક્સીંગ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. દહેજથી જ અહી કોલસાના ડમ્પરો આવે છે. તેમાંથી અસલી કોલસો કાઢી લઇ તેટલા જ વજનની માટી અને બનાવટી કોલસો મિક્સ કરી દેવામાં આવે છે. જે બનાવટી કોલસો મિક્સ થાય છે તેની ટન દીઠ કિંમત ફક્રત ૧૦૦૦ રૂપિયા છે. અને અસલી કોલસાની કિંમત ૪૦૦૦ રૂપિયા છે. આ તફાવતમાંથી ડ્રાઇવરોને ડમ્પરદીઠ ૨૦૦૦ રૂપિયા ચુકવી દેવાય છે. કહે છે કે ડુપ્લિકેટ મટિરિયલ કાઠિયાવાડથી આવે છે.
બોક્સ…ભરૂચમાં માફિયાઓનો નવો વર્ગ બહાર આવ્યો ?
ભરૂચવાસીઓએ મિડીયાની મહેરબાનીથી અત્યાર સુધી રેત માફિયા અને માટી માફિયા વિશે જાણકારી મેળવી હશે. હવે ભરૂચને કોલસા માફિયાના નવા ગૃપો વિશે પણ જાણવા મળશે. ફેર એટલો કે રેતમાફિયા અને માટી માફિયાઓ જીલ્લાના સ્થાનિક છે જ્યારે કોલસા માફિયાના માસ્ટર માઇન્ડ જીલ્લા બહારના હોવાનું કહેવાય છે.
બોક્સ.. કંપનીઓના મોટા અધિકારીઓની સંડોવણી ?
કોલસાના કાળા ધંધામાં માફિયા હોય કે કોલસો આપતી કંપનીના અધિકારી કોઇ ઉજળા હોય તેવી શક્યતા નથી. કહેવાય છે કે કંપનીના ટોચના અધિકારીઓની જાણ બહાર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. અત્યાર સુધી મોકલાયેલા કોલસા અનેજે તે કંપનીએ રિસીવ કરેલા જથ્થામાં કોને કેટલો લાભ થયો હશે તે કંપનીના માલિકોએ અંગત રસ લઇને શોધવું રહ્યું.