Home » समाचार » મણિપુર ની ઘટનાઓ નું સત્ય જે અજાણ્યું છે

મણિપુર ની ઘટનાઓ નું સત્ય જે અજાણ્યું છે

આપણું લોકતંત્ર આપણને અનેકતામાં એકતાની ડાહી ડાહી વાતો દોઢ ડાહી રીતે શીખવતું આવ્યું છે. પરંતુ વિડંબના એ છે કે અમુક જૂથોને એમના વિશેષાધિકારો પર જરાક સંકટ દેખાય કે તરત જ તેઓ એકતાને અભરાઈએ ચડાવી દે છે. કાશ્મીરમાં અનેકતાનો ખ્યાલ કેટલો ભ્રામક હતો એ આપણે જોઈ ચૂક્યા છીએ અને હવે 80 દિવસથી હિંસાની આગમાં ભડભડતું મણિપુર આપણને કહી રહ્યું છે કે એને પણ અનેકતા નથી ખપતી.

એકતાની ગળચટ્ટી વાતો યાદ રાખે છે માત્ર સનાતની સંપ્રદાયો, કેમ કે આખા વિશ્વને કુટુંબ માનવાની શીખ એમને ગળથૂથીમાં મળી છે. એ જ કારણસર એમની સંવેદના પણ હજી સાબૂત છે. એટલે જ એમને મણિપુરનો વિડિયો હચમચાવી નાખે છે અને ગુનેગારોને આકરો દંડ દેવાની માગણી પણ તેઓ એટલે જ કરે છે. એ માગણી ઉચિત જ છે એમાં કોઈ સંદેહ નથી.

જોકે એમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દુર્ઘટનાઓને જોવાનો મહાવરો નથી. બધાં બિંદુઓ જોડીને પરિસ્થિતિના ચિત્રને અખિલાઈમાં જોવાની આદત પણ એમને નથી. ઈતિહાસવિદો, કેળવણીકારો અને પત્રકારો એમની સમક્ષ આખું ચિત્ર ભાગ્યે જ રજૂ કરે છે, કેમ કે આ ત્રણેય જમાતનું ધ્યેય છે અધૂરું ચિત્ર રજૂ કરીને સનાતની સંપ્રદાયોને ઉદાર બનાવવાનું. એમાં જ એમણે પોતાની બધી શક્તિ કામે લગાડી દીધી છે.

આવું ન હોત તો બે કુકી સ્ત્રીની નગ્ન પરેડ કરાવાઈ અને એમની પર બળાત્કાર થયો એ જઘન્ય ને ઘૃણાસ્પદ ઘટના સામે મૈતી સ્ત્રીઓ પર થયેલા અત્યાચારો ને બળાત્કારો વખતે પણ સૌની સંવેદનાઓ હચમચી ગઈ હોત. એવાય વિડિયો સોશિયલ મીડિયા પર ફરે છે, જેમાં ઘાતક ઑટોમેટિક શસ્ત્રો સાથે દેખાવો કરતા કુકીઓ કહી રહ્યા છે કે મૈતીઓને મારો, મૈતીઓ અહીંથી નીકળો. જોકે એ વખતે મણિપુર સળગે છે એટલી જ વાતો થઈ. ઊહાપોહ તો ત્યારે જ થયો જ્યારે કુકી સ્ત્રીઓ પર અત્યાચાર થયો. સુપ્રીમ કોર્ટે પણ આપમેળે સંજ્ઞાન ત્યારે જ લીધું અને મોદી પણ ત્યારે જ બોલ્યા (આફ્ટરઑલ, એનડીએનો એક સાથી પક્ષ છે કુકીઝ અલાયન્સ પાર્ટી). જોતજોતાંમાં એવો માહોલ ઊભો થઈ ગયો, જાણે આખા મણિપુરમાં આ એક જ પાશવી કૃત્ય થયું હોય અને એ માટે માત્ર મૈતીઓ જ જવાબદાર હોય.

તથ્યો ઘણી વાર બહુપરિમાણી હોય છે. મણિપુરમાં પણ એવું જ છે. અહીં મુદ્દાવાર એ તથ્યો મૂક્યાં છે. શક્ય છે કે ઘણાં રહી પણ ગયાં હોય.

1. મણિપુરના પહાડી વિસ્તારમાં નાગાઓ અને કુકીઓની પાંત્રીસેક પેટા જાતિઓ વસે છે. એ લોકો મહદંશે ખ્રિસ્તી છે. થોડાક મુસ્લિમ પણ છે. સેન્સસના 2023ના અંદાજિત આંકડા મુજબ કુકીઓ અને નાગાઓની વસતિ આશરે 43 ટકા છે. આ લોકો જ્યાં વસે છે એ પહાડી વિસ્તાર મણિપુરના કુલ વિસ્તારના 89 ટકા જેટલો છે.

2. મણિપુરમાં હજારો વર્ષથી રહેતી મૈતી પ્રજાની વસતિ અંદાજિત આંકડા મુજબ આશરે 49 ટકા છે. એમાં 41. 39 ટકા હિંદુ છે અને બાકીની ખ્રિસ્તી તથા સનમાહી (મણિપુરનો મૂળ ધર્મ) છે. આટલા લોકો મણિપુરના કુલ ક્ષેત્રફળના ફક્ત 11 ટકા જેટલા તળેટી વિસ્તારમાં રહે છે. એમાંય 5 ટકા વિસ્તારમાં તો સરોવર છે એટલે મૈતીઓ પાસે મણિપુરની માંડ 6 ટકા જમીન છે.

3. કુકીઓ અને નાગાઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રાપ્ત છે. આથી એમના 89 ટકા વિસ્તારમાં મૈતીઓને જમીન ખરીદી શકતા નથી. પરંતુ મૈતીઓ જ્યાં વસે છે એ તળેટી વિસ્તારમાં કુકીઓ અને નાગાઓ જમીન ખરીદી શકે છે. આથી, એમની 6 ટકામાંથી પણ ઘણી જમીન એમના હાથમાંથી સરકી રહી છે અને જગ્યાના ભાવ આસમાને ગયા છે. પરિણામે, કુકીઓ અને નાગાઓની કુલ વસતિ જેટલી જ વસતિ ધરાવતા મૈતીઓ આપણી આઝાદીના સમયથી અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે માગણી કરી રહ્યા છે. પરંતુ હજી સુધી એ સ્ટેટસ એમને મળ્યું નથી.

4. તાજેતરમાં હાઈકોર્ટે કહ્યું કે મૈતીઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે. હકીકત એ છે કે હાઈકોર્ટના ચુકાદાથી મૈતીઓને આવો દરજ્જો મળી જવાનો નથી. એ માટેનો નિર્ણય કેન્દ્ર સરકારે અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય પંચ (એનસીએસટી)એ લેવાનો હોય છે. આમ છતાં માત્ર હાઈકોર્ટના કહેવાથી કુકીઓ ભડક્યા અને મણિપુરના ખીણવિસ્તારમાં ગઈ 3જી મેએ હિંસા ફાટી નીકળી.

5. આમ, ઝગડો વંશીય છે. કુકીઓ અને મૈતીઓ વચ્ચે છે. એ બંને જાતિની વસતિની ટકાવારી જોતાં બહુમતીવાદનો મુદ્દો આવવો જ ન જોઈએ, પણ સ્યુડો-સેક્યુલરિઝમને કારણે આવે છે.

6. મૈતીઓનું કહેવું છે કે કુકીઓ ચર્ચનું ભંડોળ લઈને મ્યાનમારમાં રહેતા પોતાના વિદેશી સગાસ્નેહીઓને પહાડોમાં વસાવે છે, પરંતુ અમે અમે મૂળ રહેવાસી છીએ, જમીનની તંગીને કારણે અમારું યુવાધન બહાર જતું રહે છે છતાં અમને પહાડી વિસ્તારમાં વસવાની અનુમતિ નથી મળતી. આ વાત મહત્ત્વની છે. સ્થાનિકોની સંસ્કૃતિ જળવાય એ માટે ભારતીયોએ મણિપુરની મુલાકાત લેતાં પહેલાં ઈનર લાઈન પરમિટ લેવી પડે છે, પરંતુ દેશ માટે ખતરારૂપ બની શકે એવા મ્યાનમારના કુકીઓને ઘૂસણખોરી કરતા રોકવાની કોઈ જડબેસલાક વ્યવસ્થા નથી.

7. હિંસા લાંબી ચાલી એનું એક કારણ એ પણ છે કે મણિપુરના ઘણા વિસ્તારોમાંથી આફ્સ્પા (આર્મ્ડ ફૉર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ) ઉઠાવી લેવાયો છે અને ઘણા અખબારી અહેવાલો મુજબ સૈન્ય આફ્સ્પાના કાનૂની કવચ વિના બે જૂથો વચ્ચેની હિંસા અટકાવતા ખચકાય છે, કેમ કે એના અધિકારીઓને કોર્ટ માર્શલ થવાનો ડર છે.

8. મૈતીઓ એવી માગણી પણ કરે છે કે અફીણનો વેપાર અને નાર્કો ટેરરિઝમ અટકાવવાનાં પગલાં લેવામાં આવે, એનઆરસીનો ઝડપથી અમલ કરવામાં આવે અને 24 કુકી ટેરરિસ્ટ ગ્રુપ્સ સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્રના ગૃહ ખાતાએ કરેલા સસ્પેન્શન ઑફ ઑપરેશન કરાર રદ્દ કરવામાં આવે. આ કરારોની અન્ય શરતો સહિત મુખ્ય શરત એ છે કે ત્રાસવાદી જૂથો અને સલામતી દળોએ એકમેક સામે સશસ્ત્ર ઑપરેશન્સ કરવાં નહીં. જોકે મૈતીઓના દાવા મુજબ એક પણ શરત કુકી જૂથોએ માની નથી અને તેઓ 2012થી ભાગલાવાદી એજન્ડા ચલાવે છે. બીજું કે કુકી ટેરરિસ્ટ ગ્રુપ્સ પોલીસો પાસેથી આંચકી લેવાયેલાં ઑટોમેટિક શસ્ત્રો હજી પણ ધરાવે છે અને એનો ખુલ્લેઆમ ઉપયોગ પણ કરે છે.

9. એ ખરું કે અંગ્રેજોએ નકશા પર આડી-સીધી રેખા દોરીને કુકીઓને, એમની અનિચ્છા છતાં, બે દેશમાં વિભાજિત કરી દીધા હતા. આથી જ બર્મીઝ કુકીઓ સાથે અહીંના કુકીઓનો સંબંધ હજી પણ છે. બીજું, બીએસએફ માટે લગભગ સોળસો કિલોમીટરની પહાડી સરહદ પર નજર રાખવી એ પણ અઘરું કામ છે.

10. કુકીઓને લાગે છે કે રાજ્યમાં વિકાસનાં ફળ માત્ર ખીણવિસ્તારને મળે છે (ઈશાન ભારતમાં છેલ્લાં 9 વર્ષના અભૂતપૂર્વ વિકાસ વિશે ગુગલ કરવા જેવું છે). અને પહાડી વિસ્તારમાં વિકાસ નથી થતો. આ વાત સાચી છે, પણ પહાડી વિસ્તાર દુર્ગમ છે અને વળી કેટલાંક વ્યૂહાત્મક કારણો પણ છે. વળી, વિકાસ માટે બહારથી શ્રમિકોને લાવીને વસાવવા પડે, જે ઈનર લાઈન પરમિટને કારણે મણિપુરમાં શક્ય નથી. એમાંય પહાડી વિસ્તારોમાં તો જરાય નહીં.

11. પહાડી વિસ્તારમાં ક્રિટિકલ મિનરલ્સ તરીકે ઓળખાતાં કેટલાંક એવાં ખનિજોનો જથ્થો હોવાનું જણાયું છે, જેમનો ઉપયોગ ટેલિકમ્યુનિકેશન અને લશ્કરી ઉપકરણોમાં ઉપયોગ થતો હોય છે. આવાં મોટા ભાગનાં ખનિજો ચીન દુનિયાભરને સપ્લાય કરે છે. હવે ભારત એનું સ્પર્ધક બને એ એને કેવી રીતે મંજૂર હોય? એટલે મણિપુરની હિંસામાં બહારનો હાથ હોવાનું અને ચર્ચનું ભંડોળ આવતું હોવાનું પણ ઘણા નિષ્ણાતોનું માનવું છે.

થોડોક ઈતિહાસ ફંફોસીએ અને થોડીક જાણકારી મેળવીએ તો આ અને આવાં બીજાં ઘણાં કારણો મળી આવશે જેમણે હિંસા વકરાવી છે. જોકે સરળીકરણ અને સપાટ રીતે ચીજોને જોવાની આપણી આદતને કારણે આપણે કોઈ જઘન્ય ઘટનાને જ યાદ કરીએ છીએ, પરંતુ જાજમ હેઠળ દબાવી દેવાયેલી બીજી બધી હિંસાઓને ભૂલી જઈએ છીએ.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?