પણ…
શીતલા સાતમે ટાઢું શું કામ ખાવું ? 🤔
શીતળા સાતમ પર ઠંડુ વાસી ખાવું
એ માત્ર અને માત્ર
પ્રાચીનસમયમાં મેળા ઉત્સવમાટેની
ભોજન વ્યવસ્થાના ભાગ રૂપે હતું…
આ મેળા ઉત્સવ દરમિયાન માં મહિલાવર્ગને રોજીંદી રસોઇ બનાવવા પાછળ જે સમય ખર્ચ થાય એનાથી ,
મેળામાં હર્ષ પ્રદર્શનનો સમય કપાય કે ખૂટે નહી એ જ હેતુ માત્ર હતો..
ભારતીય સંસ્કૃતિમાં અતિ પ્રજ્ઞાવાન આર્ષ વ્યક્તિઓએ તર્ક ચિંતન અને પ્રાયોગીક સ્વાધ્યાય દ્વારા મળેલા અંતિમ નિષ્કર્ષને संहिताबद्ध કર્યા…
પણ લોકજીવન માં સંહિતાનું પઠન પાઠન ભણતરના અભાવે થાય નહી
આથી જનસામાન્યના આરોગ્ય કલ્યાણ હેતુ,
ૠતુકાલ અનુસાર સ્વાસ્થ્યને સુંદર અને ઉપાધિ રહિત રાખવા… સંહિતાના સૂત્રોની વિગતોને પૌરાણીક વ્રત કથાઓ સાથે રજૂઆત કરવામાં આવી…
સામાન્ય પ્રજા બહુ જ આસ્થાવાન હોય છે અને ઉત્સવ-ઘેલી પણ હોય છે એટલે, ૠતુકાલની સાપેક્ષે જે આહારના સૂત્રો સ્વાસ્થ્ય વર્ધક હતાં એ સરળતાથી પ્રચાર પ્રસારને પામ્યાં…
દરેક સારાની સાથે અનિચ્છનીય આડ અસર પણ જોવાં મળતી હોય છે… એટલે આ સૂચનાઓનો પ્રવર્તક સૂત્રધાર સમ્યકના હોવાથી.. અથવા જવાબદારીમાં ગાફેલપણાના કારણે જે વ્રત કથા કે પૂજન-અર્ચન-અર્ધ્યના પ્રતિકોની પાછળનો મૂળભૂત સ્વાસ્થયવર્ધક દ્રષ્ટિકોણ ભૂલાઇ જવાયો અને બદલામાં મિથ્યા પરંપરાઓ રૂઢીગત થઈ ગઈ…
આંખનું કાજળ ગાલે ઘસાયું,
કથા સુણીને પાક્યા કાન
તોય ના આવ્યું હરિજ્ઞાન…
શીતળા એ મૂળભૂત સંસ્કૃત શબ્દ शीतला છે
એટલે કે શીતતા – ઠંડક નો હ્રાસ – ઘટાડો થવો…
શીતળા હવે જોવાં મળતાં નથી પણ અછબડાં નો દરેકને અનુભવ હોય છે હર્પિસ પણ એ જ કુટુંબની વ્યાધિ છે આ બંન્નેમાં શરીરમાં ભયંકર બળતરા અને વેદના હોય છે મનને ક્યાંય ચેન પડતું નથી… હવે સમજાઇ જાય કે શીતલા માં તન અને મનની ટાઢક હણાઈ જાય છે એટલે શીતલા નામાભિધાન કરાયુ હશે.
શીતળા રોગમાં નિદાનપરિવર્જન ચિકિત્સા અંતર્ગત શીતળ ખાદ્યનો ઉપયોગ તથા શીતળ પદાર્થનો વિહાર કરવાનો રહે છે…
સમય જતાં લોક જીવનમાં શીતળનો અર્થ ટાઢુ થયો અને જે વાસી હોય એ ટાઢુ પણ હોય એટલે વાસી-ટાઢુ ખાવાનો પ્રચલન થયું…
સાથે સાથે…
સાતમ-આઠમમાં વરસાદથી વાતાવરણ આહ્લાદક બને છે મનુષ્યનો હર્ષ એ ઉત્સવ-ઘેલુ થાય છે આથી લોકમેળાઓ દ્વારા એ હર્ષ પ્રગટ કરાય છે…
હવે જે ખુલ્લા મેદાન કે નદીકિનારે કે દેવમંદિરના પટાંગણમાં મેળા ભરાય ત્યાં જવાં અને હર્ષ માણવા…
ભોજન ને આગલી રાતે બનાવીને સાથે લઈ જવુ પડતું…
આથી રાંધણ છઠ્ઠ નું અસ્તિત્વ અથવા આવિષ્કાર થયો..
આ એક સુવિધાને ભાગ રૂપ હતુ…
બીજુ કે વરસાદી ઠંડક વાળા વાતાવરણમાં રાંધેલો ખોરાક શીતળતાને લીધે બે ત્રણ દિવસ ખરાબ થઈને બગડતો પણ નથી…
ટાઢક અને વાસી ખોરાક પચવામાં ભારે હોય છે આધુનિક રીતે જોઇએ તો એમાંથી જે કેલરી મળે એ Sustained-release હોય છે.
શીતલા રોગ તથા શીતલા દેવી અને શ્રાવણ વદ સાતમ ને સીધો સંબંધ તર્ક ચિંતનની એરણે સીધો સ્થાપિત થઈ શકે એમ નથી,
શીતલા રોગોત્પાદક વાયરસનું જોર સામાન્ય રીતે શિશિર-વસંતના ૠતુસંધિકાળમાં હોય છે…
એમ છતાંય શીળી ટાંકવાની જે વૈદ્યક પરંપરા હતી એ વર્ષા-શરદના ૠતુસંધિકાલમાં થતી હતી…
એટલે સંભવતઃ શીળી ટાંકવાનો પ્રારંભ કરતાં પહેલા દેવપૂજન વિગેરે કરવામાં આવતુ હશે એટલે શ્રાવણ વદ સાતમ અને શીતલાદેવી પૂજન સંબંધને પામ્યું હશે…
શીતળા સાતમની કથાવાર્તા જે છે.
એને પુનઃ સંશોધિત કરવાની જરૂરીયાત છે…
આજે આધુનીક ગૃહિણીઓ શીતલા સાતમે ચૂલાને પૂર્ણ રીતે બંધ નથી રાખતી ગેસચૂલાના બે અથવા ચાર બર્નર પૈકી એકને પૂજનમાંથી બાકાત રાખી ચા વિગેરે ગરમાગરમ બનાવી લે છે…
કથાવાર્તામાં વર્તમાન કાલખંડની સાપેક્ષે સંશોધન સહિત તર્કબદ્ધ રજૂઆતના કરાય તો આવા દંભ સમાજમાં જોવાં મળે જ છે…
By dr bhavesh modh