Home » समाचार » હળવે હળવે વાંચીએ.શ્રી પી.કે.લહેરી

હળવે હળવે વાંચીએ.શ્રી પી.કે.લહેરી

હળવે હળવે વાંચીએ તો
વાસ્તવિકતા સમજીએ
– પ્રવીણ ક. લહેરી
નવરાશ એ દૈત્યનું રહેઠાણ છે. મને તો નિવૃત્તિના ૧૮ વર્ષથી ફુરસદ જ છે. તેથી સૌની ચિંતા કરું છું. આપણા વહીવટીતંત્રના ઘણાં વરિષ્ઠ અધિકારીઓ પાસે ચાર-પાંચ ચાર્જ રહે છે. આના કારણે અધિકારીઓનું સ્વાસ્થ્ય ચુસ્ત-દુસ્ત્ર નથી રહેતું. આવું શા માટે હશે ? થોડા આડાઅવળા વિચારો પ્રસ્તુત છે :

મોટા સાહેબો પોતાનું વજન પડે તે માટે જરૂરથી વધારે વજન ધરાવે છે. કસરત કે ડાયેટીંગ માટે વૃત્તિ પણ નથી અને સમય તો બિલકુલ નથી.

આ અધિકારીઓને બેસી રહેવું બહુ ગમે છે. કારણ તેમને ખુરશીમાંથી ઉભા થતાં બેચેની થાય છે અને નિર્ણય કરવામાં તો મુંઝારો થાય છે. જર્મન તત્ત્વચિંતક ગોથેએ કહ્યું છે; ‘‘જ્ઞાન પૂરતું નથી, તેનો સદુપયોગ થવો જોઈએ.’’ આ અધિકારીઓ સારી રીતે જાણે છે કે ૩૦ મિનિટ સુધી ખુરશીમાં બેસી રહેવાથી ધુમ્રપાન જેટલું નુકશાન થઈ શકે છે. ગોથેની સલાહ ‘‘અમલ કરો’’ ભૂલી જઈને મોટા સાહેબોની ખુરશીમાં ફેવીકોલ જેવી ચોંટી જવાની તાકાત હોય છે.

આ સાહેબો ક્યારેક જીમમાં પણ જોવા મળે છે. તેઓ ઑફિસમાં પ્રવેશે કે જીમમાં દાખલ થાય ત્યારે એક વસ્તુ સામાન્ય હોય છે. ‘‘સાહેબોનો ઈરાદો કશું કરવાનો નથી હોતો.’’ સાહેબોના ઈરાદાના સાતત્યની જોઈએ તેટલી કદર થતી નથી તે કરુણ ઘટના છે.

અમુક સાહેબો સતત કામ…કામ કર્યા જ કરે છે. તેમને ‘વર્કાહોલીઝમ’ (કામના નશા) અને આલ્કોહોલીમ (દારુના નશા) વચ્ચેનો તફાવત યાદ નથી રહેતો. પોતે મર્યા બાદ પણ ઘણાં અધિકારી તેની યાદમાં લખાવી શકે છે; ‘‘હું ઈચ્છું કે મેં હજી વધારે સમય મારી કચેરીમાં વિતાવ્યો હોત !’’ જો સાહેબે વધારે સમય ઑફિસમાં વિતાવ્યો હોત તો કોના પર શું શું વીત્યું હોત તે અલગ ચર્ચાનો વિષય છે.

અધિકારીઓમાં નિષ્ફળતાના દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવાની અદ્‌ભૂત આવડત હોય છે. તેમની ભૂલોનો દોષ તેમના પુરોગામી અને પૂર્વજો પર નાખવામાં કોઈ સંકોચ શા માટે રાખવો ? કોઈકની જવાબદારી નક્કી કર્યા વિના સુશાસન કેમ થાય ? આવા પ્રસંગે ‘‘અંધેરી નગરી ને ગંડુ રાજા’’ની કવિતા યાદ આવે તો તે અપ્રસ્તુતઃ ગણી ભૂલી જવી.
આ સરકારી કચેરીઓનું વાતાવરણ પણ અજીબો-ગરીબ છે. કાયમી ઓર્ડરને સ્ટેન્ડીંગ ઓર્ડર કહેવાય છે. ખાનગી અહેવાલ ઉત્કૃષ્ટથી માંડીને નબળા વર્ગીકરણ વચ્ચે લોલકની જેમ ઝૂલે છે. ફાઈલો ચાલે છે. અધિકારી કર્મચારીઓ સદાય સ્થિર રહેવા પ્રયત્નશીલ હોય છે. સરકારી કચેરીમાં કામ કરવું ? અનેક વિધ્નો મોજુદ હોય છે. ઘડીમાં ‘સાહેબ’ બોલાવ છે તો દરરોજ લાંબી લાંબી ચાલતી અર્થહીન મિટીંગમાં હાજરી આપવાની હોય છે. ન ગમે તો પણ ચા પીધા કરવી પડે છે. જેમની જોડે વાત કરવી ગમે તે સાથી કર્મચારીને સામે જોવાની ફુરસદ નથી તો જેનું મોઢું નથી જોવું તે સતત વાત કરી કામ કરવા દેતા નથી. જેમણે પહેલી નોંધ લખી છે તેના અક્ષર ઉકલતા નથી. મોટા સાહેબની અંગ્રેજી નોંધ કોના પાસે વંચાવવી ? હવે સરકારી તંત્રમાં એન્જિનીયરોની બોલબાલા છે. છેલ્લા પાંચ-દસ વર્ષમાં સરકારના તમામ સ્તરે એન્જિનીયરો સંચાલન કરે છે. આ વર્ષ ગુજરાતમાંથી ૧૬ વ્યક્તિઓએ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાર કરી તેમાં ૧૨ તો એન્જિનીયરો છે. આ એન્જિનીયરોને પ્લાન બનાવવાનું શીખવાડ્યું છે, ડિઝાઈન-સ્ટ્ર્‌કચર અંગે જ્ઞાન આપ્યું છે, બ્રીજ, રસ્તાઓ, મકાનો અને હવે તો પ્રતિમાઓ પણ અચાનક તૂટી જાય છે. આના તપાસ અહેવાલોનો નિષ્કર્ષ પ્રસિદ્ધ થતો નથી. પુનઃ પુનઃ અકસ્માતો થાય છે તેનું કારણ કોઈ દૈવી પ્રકોપ જ હશે.

આ એન્જિનીયરો જે ગણિત ભણ્યા છે તેનાથી બજેટનું ગણિત સાવ અલગ છે. સરકારના નિર્ણયમાં જ્ઞાન-વિજ્ઞાન કરતાં ભલામણ અને સ્વાર્થનું પ્રમાણ વધારે હોય છે. એન્જિનીયરોને ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં સારા માર્ક આવ્યા હતાં. માતા-પિતાએ મોંઘાદાટ ટ્યૂશનો રાખી પુત્ર/પુત્રી એન્જિનીયર થઈ યુ.એસ.એ. કે કૅનેડા જશે તેવા સ્વપ્નો જોયા હતાં. હવે પુત્ર/પુત્રી પોઈન્ટ ટુ પોઈન્ટની બસ પકડીને સચિવાલયમાં કે ખાતાના વડાની કચેરીમાં અપ-ડાઉન કરે છે તેમાં ગ્રહો સિવાય તો કોને દોષ દઈએ ? હા, આપણી મૂળ વાત તો સરકારી અધિકારીઓ/કર્મચારીઓ કેમ ચુસ્ત-દુસ્ત્ર રહે તે માટે વિચારણા ચાલુ કરી હતી. સરકારમાં ફીટ રહેવાના આદર્શ કરતાં ફિટ કરી દેવાનો લક્ષ્યાંક ઊંચો માનવામાં આવે છે. ફિટ રહેવા માટે આપણને દરરોજ કોઈક ને કોઈક નવી સલાહ મળે છે. સ્થૂળકાય ડૉકટર આપણને વજન ઓછું રાખવાના ફાયદા ગણાવે છે. ભાઈ, આવું તો ચાલ્યા કરે, આપણે આપણી તબિયતની કાળજી એટલે લેવાની છે કે ‘‘૨૦૦૫ પહેલાં સરકારમાં જોડાયા હશો તો જેટલું વધારે જીવશો તેટલું વધારે પેન્શન પામશો.’’ ૪૧ વર્ષની સરકારી નોકરી બાદ મારી સહાનુભૂતિ સમગ્ર સરકારી તંત્ર માટે હોય તે સ્વભાવિક છે. મારા અનુભવ અને વાંચનના આધારે મારા અનુગામીઓને પૂરી એક ડઝન સલાહ આપવાની લાલચ રોકી શકતો નથી.

(૧) મિત્રો સદાય હરતા-ફરતાં રહો. ગુજરાતીની કહેવત યાદ રાખો ‘ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.’’ જો કે આમાં એક અપવાદ છે તે મારે જણાવવો પડે. ફાઈલ જેટલી ફરે તેટલી દળદાર-જાડી થાય છે તે કહેવતથી વિપરીત છે તેનું સ્મરણ રાખશો.

(૨) મોબાઈલ વાપરતાં ઘર-કચેરીમાં ચાલતા રહેજો. આ સલાહનો અમલ કાર ચલાવતાં કે રસ્તે ચાલતા ન કરશો. લેન્ડ લાઈનનો ફોન વાપરો તો પગના આંગળી-અંગુઠા પર ઊંચે-નીચે થઈને પગના સ્નાયુઓને કસરત આપો. આ સ્નાયુ બીજું હૃદય છે. તમારું પોતાનું જ.

(૩) દિવસે કે રાત્રે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. પાણીની જગ્યાએ કોઈ એવા પ્રવાહી ન લો જેમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય કે નશો થાય કે કૃત્રિમ રંગ-રસાયણથી સ્વાસ્થ્યને હાનિ થાય.

(૪) સૂતા સમયે સરકારી સમસ્યા કે તમારા હોદ્દાનો ભાર સારી જગ્યાએ ઉતારીને શાંતિથી ઘસઘસાટ સૂવો. નિદ્રા એ શ્રેષ્ઠ યોગ છે. યોગ ભગાડે રોગ. આ માટે વહેલાં ઉઠશો તો નિદ્રા યોગના અભાવે બિમાર થશે.

(૫) હંમેશાં ટટ્ટાર બેસો. ટટ્ટાર ચાલો અને હાથ-પગના સ્નાયુ ઢીલા ન પડે તેની કાળજી રાખો. પૂરતું પ્રોટિન અને ઓછા કાર્બોહાઈડ્રેટ ધરાવતો આહાર પસંદ કરો.

(૬) દાદરની ચડઉતર જેવી બીજી કસરત નથી. તમે કૅલેરી વાપરશો, ઉર્જા પ્રાપ્ત કરશો અને વીજ ઉર્જાની બચત કરશો. આમ કરતાં શ્વાસ ચડે તો સિવિલ હૉસ્પિટલ જવામાં વિલંબ ન કરશો.

(૭) જુનિયર અધિકારીઓની કંપની તેમને ઉર્જા આપશે. સિનીયર અધિકારીઓની કંપની તમને જ્ઞાન અને તણાવ આપશે. પસંદગી તમારા હાથમાં છે.

(૮) તમે તમારા સ્નાયુ અને. હાડકાંને તનાવ દ્‌ાવરા કસતા રહો પણ મન શાંત રાખો. તાંબાના અધિકારી-કર્મચારીઓને પણ બંધારણની ૨૧મી કલમે જીવવાનો અધિકાર આપ્યો છે તે યાદ રાખો.

(૯) ધારાસભ્ય કે સંસદ સભ્ય માટે જ નહીં તમામ મુલાકાતીનું જરા ઊભા થઈને હસ્તધૂનન અને સ્મિતથી સ્વાગત કરવાની ટેવ પાડો. આનાથી તમને કસરત મળશે અને છૂપા અહ્મને આરામ મળશે. મુલાકાતી ખુશ થશે અને તમને પ્રશંસા પ્રાપ્ત થશે. પોતાના વખાણ કોને નથી ગમતાં ?

(૧૦) સત્તાનો નશો સૌથી તીવ્ર હોય છે. આઈ.સી.એસ. ઈન્ડિયન સિવિલ સરવીસ વિશે પંડિત જવાહરલાલ નહેરુની જાણીતી ટિપ્પણી ‘‘આમાં કશું ભારતીય નથી. સિવિલ (નમ્ર) હોવાનો પ્રશ્ન નથી અને સરવીસ (સેવા)નો અભાવ સર્વત્ર છે.’’ સરકારી તંત્ર કે બેંક કે પેટ્રોલ પંપ જેમ વિનય સપ્તાહ ઉજવતું નથી પણ તમે તો વિનય વર્ષો થકી જીવનને ઉત્સવ બનાવો.

આપણી માન્યતા છે કે ૮૪ લાખ યોનીમાં ભટક્યા બાદ દુર્લભ માનવ અવતાર મળે છે. તેમાં પણ જે વધારે ભાગ્યશાળી હોય તેમને સરકારી નોકરી મળે છે. આમાં પણ સૌથી પૂણ્યશાળી આત્માને તલાટીની નોકરી મળે છે.’’ લાખો લોકો તલાટીની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. મેં જિજ્ઞાસાવશ તલાટીની પરીક્ષાના પેપરને ઉકેલવાનું દુઃસાહસ કર્યું. અંતે આત્સર કીની મદદથી જ સાચું શું તે જાણ્યું.

તા.૨૧મી એપ્રિલે ‘સિવિલ સરવીસ ડે’ નિમિત્તે સરકારી સેવા અંગેના મારા જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો. લાલબહારદુર શાસ્ત્રી રાષ્ટ્ર્‌ીય વહીવટી તાલીમ સંસ્થા મસૂરીએ પ્રકાશિત કરેલાં નિવૃત્ત અધિકારીઓના સંસ્મરણો વાંચતા મનમાં જે ઉગ્યું તે લખ્યું. ભૂલચૂક લેવી-દેવી, મિચ્છામિ દુકક્ડમ્‌.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?