*રક્ષાબંધન વિશે થોડીક સમજ*…..
*************************
રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી અને શ્રીકૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે.
શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે.
શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણી પૂર્ણિમા પડ્યું છે. શ્રવણ નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા માગવામાં આવે છે !
સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે એટલે નાળિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે.
સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છે પરંતુ અફસોસ એ છે કે આજ કાલ આ તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દેવામાં આવ્યો છે. ફલાણો યોગ ચાલે છે માટે રાખડી આટલા વાગે જ બાંધવી. ઢીંકણો યોગ ચાલે છે માટે રાખડી સાંજે જ બાંધવી ! છેલ્લા કેટલાક વર્ષોથી આ રીતે મુહૂર્તની ચર્ચા કરવામાં આવે છે. વર્ષો પહેલાં રાખડી બાંધવાના મહુર્ત વિશે કોઈ જ ચર્ચા છાપાંઓમાં થતી ન હતી.
અરે ભાઈ આશીર્વાદ આપવા માટે અને કોઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં નથી આવતું. રાખડી એ સુરક્ષાનું પ્રતીક છે. એ કવચનું કામ કરે છે. બહેન ભાઈની સુરક્ષા માટે અને એની પ્રગતિ માટે લાગણીથી રાખડી બાંધીને શુભેચ્છા પાઠવે છે. રક્ષાસૂત્ર બાંધવામાં આવે એ ક્ષણ પવિત્ર જ હોય !
જૂના જમાનામાં જ્યારે રાજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે પત્ની એને તિલક કરીને રક્ષા બાંધતી હતી. એ વખતે એ એવી ભાવના કરતી હતી કે:
# જાઓ માના દૂધને સંગ્રામમાં દીપાવજો… જાઓ રણશૂરા હવે વિજયી બનીને આવજો. #
રક્ષાબંધન પાછળ આવી ભાવનાઓ હતી. એ વખતે ક્યાં મુહૂર્ત જોવામાં આવતાં હતાં ? બહેન ભાઈને રાખડી બાંધે એ જ રીતે પત્ની પણ પતિને રાખડી બાંધી શકે છે, માતા પુત્રને રાખડી બાંધી શકે છે અને એક મિત્ર બીજા મિત્રને પણ રાખડી બાંધી શકે છે. અત્યારે જે ફ્રેન્ડશીપ બેલ્ટ નીકળ્યા છે એ પણ આ પરંપરાનું જ નવું સ્વરૂપ છે.
રાખડીમાં ભાવના અગત્યની છે. આ દિવસે બ્રાહ્મણ લોકો વેપારીઓને પણ રાખડી બાંધતા હોય છે અને વેપાર માટે શુભ કામના કરતા હોય છે. ઘણા જૈન મંદિરોમાં રક્ષાપોટલીનું પણ મહત્વ છે. એ પણ એક પ્રકારની રાખડી જ છે. રાખડીની કિંમત મહત્વની નથી. એની પાછળ રહેલી લાગણી મહત્વની છે !
આપણા હિન્દુ સમાજમાં આવા બધા તહેવારોનું ઘણું જ મહત્વ છે અને એ રીતે મોબાઈલની દુનિયામાં ખોવાયેલો સમાજ એકબીજાના ઘરે જવા માટે પ્રેરાય છે. પરિવાર નજીક આવે છે અને એકબીજા તરફની લાગણી વધે છે !
મિત્રો રાખડી આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકાય છે. એના માટે કોઈ જ મુહૂર્ત જોવાની જરૂર નથી. બને ત્યાં સુધી સવારથી શરૂ કરીને મધ્યાહન પહેલાં એટલે કે બપોરે બે વાગ્યા સુધીમાં રાખડી બાંધી શકાય તો વધુ સારું. છતાં અનુકૂળતા ન હોય તો સાંજે પણ ચોક્કસ બાંધી શકશો. જય પરશુરામ હર હર મહાદેવ હિરેનભાઈ પુરોહિત