Home » समाचार » દેવ પોઢી અગિયારશ

દેવ પોઢી અગિયારશ

અષાઢ સુદ અગિયારસ જેને पद्मा एकादशी કહેવાય છે.
પૌરાણીક કથન અનુસાર આ દિવસથી શ્રી હરિ શયન કરી જાય છે એટલે કે દેવશયની અથવા ગુજરાતીમાં દેવપોઢી એકાદશી કહે છે.
8મી થી 11મી સદી સુધી નિર્માણ પામેલા આ દેશના સ્થાપત્યોમાં શ્રીહરિના શેષશૈયાશાયી સ્વરૂપના પથ્થર શિલ્પ જોવાં મળે છે.
ગુજરાતમાં પાટણ મુકામે રાણીની વાવ તથા મોઢેરાના સૂર્યમંદિરના જલકુંડમાં આ શ્રી હરિના શેષશૈયાશાયી સ્વરૂપના દર્શન થાય છે. એ સિવાય મોટાભાગના શિવ કે સૂર્ય મંદિરો તથા વાવ અને કુંડો જે 11 મી સદી પહેલા નિર્માણ પામેલ છે.

દક્ષિણ ભારતના લગભગ તમામ પૌરાણીક મંદિરોમાં શેષશૈયાશાયી શ્રી હરિ પથ્થર શિલ્પ કે મુર્તિ સ્વરૂપે દર્શન અવશ્ય થાય છે.

ચોમાસાની ૠતુમાં વર્ષાના આગમનથી શુભપ્રસંગો કે મોટા ઉત્સવોમાં એકત્ર કરેલ માનવસમુદાયની વ્યવસ્થા અને સુખાકારી સાચવવી યજમાન માટે કપરી બને છે,
એટલે પૂર્વેના વિચક્ષણ માનવીઓએ પરંપરા કરી દીધી કે ચોમાસાના ચાર મહિના ઘરમાં જ રહેવું અને ગામતરાં ના કરવાં,
ઘરે મોટા શુભપ્રસંગો-ઉત્સવો મેળવડા આદરીને અન્યને આમંત્રવા નહી.
“પ્રભુ પોઢી ગયાં છે”
એટલે એમના શયનમાં ખલેલ ના પાડવી.
ઘરમાં રહેવાથી કામધંધા વિનાનું માનવ મન ઉપદ્રવ કરે એટલે चर्तुमास ની ગોઠવણ કરી. જેમાં વરસાદના ચાર-માસ દરમિયાન એક જ સ્થાને શરીરના સ્વાસ્થયની જાળવણી માટે ઉપવાસ અને મનની શુદ્ધિ માટે આધ્યાત્મિક ચિંતન, કથાશ્રવણ, પ્રભુકિર્તન, વ્રત વિગેરે કરવું જોઈએ.

શ્રી હરિ કાર્તિક સુદ એકાદશી એ જાગ્રત થાય છે
એટલે કે દેવ- ઉત્થાયની અગિયારસ જેને प्रबोधिनी एकादशी કહે છે, આ શબ્દ ઘણો સુચક અર્થમાં છે ;
ચાર માસ શ્રી હરિ કાંઇ ઘસઘસાટ સૂતાં નથી પણ આરામ કે નિરાંતની સ્થિતીમાં હોય છે એટલે ઉત્તમ ચિંતનના પરીણામે પ્રબોધ થાય છે.

શ્રી હરિને પણ દર વર્ષે પ્રબોધ થવું પડે તો આપણે તો માનવ છીએ.
स्वाध्याये न प्रमादित अव्यवम्।
પત્થર શિલ્પમાં પણ અંકિત કરાયેલ હોય છે કે,
શ્રી હરિ આરામ કે નિરાંતની સ્થિતીમાં હોય છે એટલે ચિંતનની દશામાં હોય છે ત્યારે નાભિકમળમાંથી વેદ સહિત બ્રહ્માજીનું પ્રાગટય થતું બતાવેલ છે.

કારતક માસથી જેઠમાસના અંત સુધી આઠમાસના ગાળામાં જે પણ અર્થોપાજન માટે વ્યક્તિએ દોડધામ કરી છે. એમાં હવે એને નિરાંત લેવાની છે.
આ ચારમાસ એણે, પોતાના પરીવારના સાંનિધ્યમાં ગાળવાના છે, જે પણ કમાયું છે એ કમાણીમાં સાત્વિકતા લાવવાં ચિંતન કરવાનું છે. સુખના ઉપભોગ સાથે સાથે થયેલ ભૂલો હવે પછીના વર્ષ માટે સુધારવાની રહેશે.

આ એકાદશીના સંબંધમાં કથા છે કે,
સૂર્યવંશમાં માંધાતા નામે મહાપ્રતાપી રાજા હતો.
તેના રાજ્યમાં આધિ, વ્યાધિ અને દુષ્કાળ ન હતા.
તેની પ્રજા નિર્ભયપણે ધનધાન્યથી ભરપૂર રહેતી.
એક સમયે તે રાજાના કંઈક પાપકર્મના પરિણામથી તેના રાજ્યમાં ત્રણ વરસ સુધી વરસાદ ના વરસવાથી કાળ પડ્યો.
તેથી તેની પ્રજા ચિંતાતુર અને ભૂખથી પીડાતી બની. પ્રજાના હિત માટે રાજા ઘોર અરણ્યમાં આવેલ અંગિરસ મુનિના આશ્રમમાં ગયો. રાજાએ સાષ્ટાંગ નમસ્કાર કરી અનાવૃષ્ટિનું કારણ પૂછ્યું.
મુનિના ઉપદેશ મુજબ રાજા પ્રજા બંનેએ અષાઢ સુદિ અગિયારશનું વ્રત કર્યું.
આ વ્રતના પ્રભાવે વરસાદ થયો ‘ને પ્રજાને સર્વ સિદ્ધિ ફરી પ્રાપ્ત થઈ.
આમ पद्यः માંથી पद्मः તરફ લઈ જનાર આ એકાદશીને પદ્માએકાદશી કહેવાઇ છે…

પ્રાચીનકાળમાં ગુજરાતી પ્રજાની સમૃદ્ધિનો મોટો આધાર વહાણવટા પર આધારીત પરદેશના વ્યાપાર પર હતો. ચોમાસામાં દરીયો ખેડવો જોખમકારક રહે છે.
આઠ માસના લાંબા પ્રવાસ બાદ પરત ફર્યા પછી ઘરે હર્ષ-ઘેલુ-મન ઉત્સવ કરવાં થનગને છે.

જુઓ ગુજરાતી પ્રજાના મોટાભાગના વ્રત અને લોકમેળાઓ તથા એમાં થતાં કરાતાં હર્ષભેર ઉજવણી – ઉત્સવો ચોમાસાના ચાર મહિનામાં જ આવે છે.

ગુજરાતને अनार्त्तप्रदेश એટલે કે નૃત્ય દ્વારા આનંદ મેળવનાર પ્રજાનો પ્રદેશ કહેવાતો…
પછી યુદ્ધ હોય કે જળમાર્ગનો વ્યાપાર આ પ્રદેશની પ્રજાને મન તો આનંદનો ઉત્સવ જ રહેતો અને આજે પણ ગુજરાતમાં જેની પ્રતિતિ કાનુડો રમાડવા, નવરાત્રી કે પછી તરણેતરના લોકમેળામાં હુડો રાસમાં થાય જ છે ને…

શ્રી હરિ શેષશૈયા પર આરામ કરે છે,
જે પ્રજાને આવતી આફતને અવસરમાં ફેરવવાનું રૂપક છે.

ગમે એવી કપરી અને વિકટ પરિસ્થિતિઓને પણ વશમાં કરીને પ્રભાવી અને સમૃદ્ધ થવાનું અને પછી નિરાંત લેવાનું સુચન કરે છે…

આ ચર્તુમાસ દરમિયાન ઘરપરિવારના સાંનિધ્યમાં રહેવાનું પણ સુચક રૂપક આ સ્થાપત્યમાં દેખાઇ આવે છે.

શ્રી લક્ષ્મીજી અતિ સ્નેહથી શ્રી હરિની પાદસેવા-પગચંપી કરતાં દેખાય છે જયારે અન્ય દેવાદી શ્રી હરિની આસપાસ ગોષ્ઠિ કરતાં પણ દેખાય છે એટલે કે અર્થોપાજન અર્થે રઝળતો વ્યક્તિ પોતાના વતનમાં ઘરપરિવારના સાંનિધ્યમાં જ નિરાંત અનુભવે છે અને એનાં વતનીઓ પણ એને જોઇને પ્રસન્નતા અનુભવે છે.

વ્યાપારી વર્ગ સિવાયનો બીજો મોટો વર્ગ આ પ્રદેશમાં ખેડુતોનો છે.
અષાઢના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી દેવાય છે પછી એની જાળવણી પરમસત્તા પર છોડી દેવાય છે.

શ્રાવણ- ભાદરવો વરસે ‘ને ધરતી ખૂબ ફુલે ફાલે …
આસો સુધી ખેતરે આંટા દેવા જવાનો પ્રશ્ન જ નહોતો.
આ ગુર્જર પ્રદેશનો રાજા રણછોડ…
શ્રી દ્વારિકાધીશ જયારે કહે કે ,
कर्मण्येवाधिकारस्ते …
પછી પ્રજાને ચિંતા શેની ?

પ્રજાએ પોતે કરેલા કર્મમાં પુરેપુરી સતર્કતા સાથે ભરપુર મહેનત કરેલ હોય તો પછી બાકીની ચિંતા રહેતી પ્રભુને હોય ને !!!
આ પ્રજા તો ચિંતામુક્ત હોવાથી ઉત્સવઘેલી રહેતી આથી द्वारीका ને જ अनार्त्त પ્રદેશ કહેવાતો.

ખેતરો અને ઊભો મોલને જગતનિયંતા સંભાળી લે છે એવી પરમ શ્રદ્ધા અને વિશ્વાસથી આ વર્ગ પણ ચર્તુમાસમાં ઘર પરીવારના સાંનિધ્યમાં રહીને આધ્યાત્મિક ચિંતન તથા કથાવાર્તા, શ્રવણ કરતો હતો…

જો કે, આજે તો પાક વિમાની ચિંતા કરવી પડે છે.
સરકારી રાહતો અને સબસીડીઓ થકી આ પ્રદેશની પ્રજા ; જાતમહેનત પરનો વિશ્વાસ અને ખુમારી ગુમાવતી જાય છે દિવસે દિવસે દીન, હીન, લાચાર અને ઉત્સાહ વિનાની ઉદાસીન થઈ રહી છે.

દેવશયની અગિયારસને આરોગ્યની સુખાકારી માટે સુકીદ્રાક્ષ-કિશમીસ સાથે જોડવામાં આવી છે.

વર્ષાૠતુનો આરંભ થયેલ છે આ ૠતુમાં વાતાવરણના ફેરફારોથી ગ્રીષ્મ માં સંચય પામેલા વાયુ અને વર્ષાના સ્વાભાવિક ૠતુકાલના ફેરફાર તથા બાફરાના કારણે પિત્તના પ્રકોપ થઈને વ્યાધિ વિકારો વ્યાપક થતાં હોય છે…

સુકીદ્રાક્ષ એના મધુરરસથી પિત્તનું અને અમ્લરસથી વાયુનું શમન કરે છે.

100 ગ્રામ સુકીદ્રાક્ષમાં 18 ગ્રામ ગ્લુકોઝ હોય છે જયારે દૈનિક પોષણ મુલ્ય ના 18% જેટલું વિટામીન C તથા 22% જેટલું વિટામીન K પણ હોય છે…

વર્ષામાં પલાર-પાણીમાં પલળેલા શાક એમાંય ખાસ કરીને પત્રશાકથી પેટની પાચન પ્રક્રિયામાં ખામી સર્જાય છે, કયારેક કૃમીજન્ય રોગ પણ કરે છે એટલે પત્રશાક કે શાક ખાવાનો નિષેધ વર્ષામાં કરાય છે.

ઉપવાસ કરવાં હિતકર છે અને એમાંય સુકીદ્રાક્ષમાં રહેલ અન્ય ફરાળી ખાદ્યની સાપેક્ષે વધુ કુદરતી ગ્લુકૉઝ શરીર ને ઉપવાસ દરમિયાન આવશ્યક શક્તિ પુરી પાડી દે છે.

અષાઢની સુદ અગિયારસથી પુનમ સુધીના પાંચ દિવસ કુંવારીકાઓ માટે ગૌરીવ્રતનું વિધાન છે.
જયારે સૌભાગ્યવતી બહેનો માટે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રતનું વિધાન છે..

આ વ્રતો માં માઁ પાર્વતીજીના ગુણોનું વર્ણન કરી મહાદેવ ભોળા શિવજીને આરાધવામાં આવે છે. આ વ્રતોને ગુજરાતમાં મોળાકત કહે છે, જેમાં ભોજનમાં નમક (મીઠું) એટલે કે લવણ રસનો સંપૂર્ણ ત્યાગ કરીને ઉપવાસ રહેવાના હોય છે…

આરોગ્યની દ્રષ્ટિએ લવણરસ ક્લેદ ઉત્પાદક છે. અધિક લવણ પિત્ત પ્રકોપક પણ બને છે વરસાદી વાતાવરણમાં લવણ ઓછું લેવાય તો સ્વાસ્થયવર્ધક બની રહે છે, બહેનોને ભવિષ્ય માં આર્તવ – બીજ દોષ સબંધી વિકારો થતાં નથી, ચૈત્રમાં જે અલૂણાંવ્રત કરાય છે એનું પણ આરોગ્ય દ્રષ્ટીએ તો આવું જ માહાત્મ્ય છે.

ઇગ્લેન્ડના કોઇ વિચક્ષણ અને જીજ્ઞાસું વ્યક્તિએ મહાત્મા શ્રી તિલકને પૂછયું કે,
તમારે ત્યાં સારો “વર” મેળવવાં બહેનો વ્રત રાખે છે તો શું કુંવારા પુરૂષ પણ એવાં કોઇ વ્રત કરે છે ખરાં ?
શ્રી લોકમાન્ય તિલકે ગર્વ અનુભવતાં જવાબ આપ્યો કે, મારા દેશની દરેક કન્યા જન્મથી જ સદ્ ગુણી અને ચરીત્રશીલ છે, એથી એની આગળની જીવન યાત્રામાં એણે સહાયક થાય એવો બત્રીસલક્ષણો જીવનસાથી મળી રહે એ માટે પ્રભુને પ્રાર્થના સ્વરૂપ વ્રત કરે છે,
પુરૂષોને તો પ્રભુ પાસે આવી યાચના કરવાની આવશ્યક્તા જ નથી એમના માટે તો ઉત્તમ કન્યારત્ન પૂર્વેથી જ નિર્મિત થયેલ હોય છે…

મનોવૈજ્ઞાનિકો એ પણ અમુક વિશ્લેષણ આધારીત તારણ કાઢેલ છે કે,
સ્ત્રીઓએ પુરૂષોને સમજવા પડે છે અર્થાત્ સ્ત્રીઓએ તર્ક બુદ્ધિથી પુરૂષોના સ્વભાવ, પ્રકૃતિ અને ગુણોનું આકલન કરી પછી એ રીતે વર્તે તો શ્રેયકર થાય…
જયારે પુરુષોએ તો માત્ર સ્ત્રીઓને ચાહવાની છે, પ્રેમ – સન્માન અને આદર આપવાનો છે જેમ નિસર્ગને જોઇને ખુશ થઇ જવાય છે… વિના સ્વાર્થે આનંદની ઉપલબ્ધી થઇ જાય છે એમ….પણ આજે અવળું થાય છે, પુરૂષ તર્કપ્રધાન અને સ્ત્રી ભાવપ્રધાન…આથી વૈમનસ્ય ફેલાયું છે.

સ્વયંવરની પ્રથા પણ માત્ર સ્ત્રીવર્ગને જ વર પસંદ કરવાની સ્વતંત્રતા દર્શક હતી.

મોળાકતમાં પુરૂષને નમક બાધ કેમ નહી ?

એવો પ્રશ્ન પણ ઉદ્ભવે,
પ્રકૃતિના ફેરફારની અસર તો દરેક માનવશરીર પર તો સરખી જ થવાની ને !?

તો.. જે પરીવારમાં સ્ત્રીવર્ગને મોળાકત હોય અને એમને માટે જે નમકવિનાનું ભોજન નિર્માણ થયેલ હોય એ પુરૂષવર્ગ પણ જમી લે છે.
પ્રેમ હોવો જોઈએ. મોળાકત વ્રત કરતી દિકરી માટે આણેલા પેંડા, માવાની મીઠાઇ કે ખીર કે’ દી એને એકલી એ આરોગી એમાંથી મોટોભાગ તો એનાં ભાઇઓ ખાતાં હોય જ છે ને !!!

… તર્ક-બુદ્ધિથી ભેદ દેખાય છે પણ પ્રેમ-લાગણી થી બધુ સમાન જ હોય છે.

કંઇક અંશે પુરૂષ શરીર લવણ રસને સ્ત્રી શરીર કરતા વધુ સહી લે છે આ પણ એક કારણ હોઇ છે.

લવણ રસ કલેદ ઉત્પન્ન કરે છે ઉપરથી વરસાદી ભેજ બફારાવાળા વાતાવરણથી ખસ-ખરજવાં જેવા ચર્મવિકારો શરીરના સાથળ, બગલ (કાંખ), છાતી અને પેટને જોડતો ભાગ તથા પેડું-કમરના ભાગે… જે ફોલ્ડ પડતાં હોય ત્યાં પરસેવો રોકાઇ રહેવાથી વધુ થાય છે અને આ વિકારોમાં ખંજવાળ આવતાં ખંજવાળવું એ પુરૂષ કરતાં બહેનો માટે સાપેક્ષે વધુ શરમ- સંકોચ જનક હોય છે.
આથી પણ આ સમયગાળામાં લવણનો ત્યાગ બહેનો માટે વધુ મહત્વનો બની રહે છે.

દેવશયની એકાદશી એ દેવને શયન કરવાં દેવાં ના છે પણ આપણે આર્થિક , સામાજીક અને શારીરિક સુખાકારી તથા ઉન્નતિ માટે ચિંતન કરવાનું શરૂ કરવાનું છે, જેમાં પ્રકૃતિ પણ વરસાદી વાતાવરણ સર્જીને સહાયક બને છે.
વિશેષમાં આ સમયકાળ દરમિયાન આરોગ્યની સુખાકારી માટે લવણ રસનો ઓછો ઉપયોગ તથા સુકીદ્રાક્ષને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતાં રહીએ.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?