Home » Uncategorized » ભારત ના મૂળ નિવાસી કે આદિવાસી કોણ ?

ભારત ના મૂળ નિવાસી કે આદિવાસી કોણ ?

ભારતના મૂળ નિવાસી કે આદિવાસી કોણ?
આલેખન – વિરેન શામળદાસ દોશી
પાલડી, કર્ણાવતી, ગુજરાત, ભારત virennita@gmail.com
દિનાંક ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ યથા અધિક શ્રાવણ કૃષ્ણ પક્ષ ૧૨ વિક્રમ સંવત ૨૦૭૯ કલિ યુગાબ્દ ૫૧૨૪
ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે, અનેક માનવ સમુદાયો અહીં વસે છે અને સમગ્રપણે સંપીને રહે છે. એ બધામાંથી ભારતના મૂળ નિવાસી એ અર્થમાં આદિવાસી કોણ? ઘણા વિષયોની જેમ આ વિષયે સત્તાનું રાજકારણ કરવામાં આવે છે. ક્યારેક તેમાં હિંસક વળાંક પણ આવી જાય છે.
આ પ્રશ્નનો સાચો ઉત્તર જાણીએ અને આ વિષયે યોગ્ય સમજણ કેળવીએ તે આવશ્યક છે.
પહેલા આ પ્રશ્ન સંબંધિત પેટા પ્રશ્નો ક્યા ક્યા છે તે સૂચિબદ્ધ કરીએ –
સરકાર જેને અનુસૂચિત જનજાતિ સમુદાયો કહે છે અને જેઓ પોતાને જનજાતિ આદિવાસી તરીકે ઓળખાવે છે તે સમુદાયો કોણ છે?
મહદ્ અંશે આ જનજાતિ આદિવાસીઓ ભારતના મૂળ નિવાસી કે આદિવાસી છે તે સ્પષ્ટ થયા પછી ભારતમાં વસતા બીજા લોકો એટલે કે શેષ ભારતીયો – જાતિઓ / વર્ણો કોણ છે અને તેમનો અને આ જનજાતિ આદિવાસીઓનો સંબંધ શું છે?
શું તેઓ આ જનજાતિ આદિવાસીઓના વિરોધીઓ કે શત્રુઓ છે? શું તેઓ બહારથી આવેલા છે?
શું તેઓએ જનજાતિ આદિવાસીઓને સ્થાનશેષ કે નામશેષ કર્યા છે? તેઓનું નિકંદન કાઢી નાંખ્યું છે?
શું જનજાતિ આદિવાસીઓ અને શેષ ભારતીયો આજે પણ એકબીજાના લોહીના તરસ્યા છે?
વિશ્વ આદિવાસી (વાસ્તવમાં તો મૂળ નિવાસી) દિવસ ઉજવાતો હોય અને એક પ્રકારે એની છાયામાં ભારતીય જનમાનસને દુષ્પ્રભાવિત કરવા વિઘાતક કે વિભાજક વાત કે વિચારનું પ્રતિપાદન કરાતું હોય ત્યારે આ પ્રશ્નો વિચારણીય છે. જનજાતિ આદિવાસી વિરુદ્ધ અન્ય જાતિ ભારતીયો એવું ઉશ્કેરણીજનક ખોટું સમીકરણ માત્ર મતના રાજકારણ માટે ઉભું કરવામાં આવતું હોય ત્યારે સત્યનું પ્રતિપાદન થવું જોઈએ.
જનજાતિ આદિવાસી સમુદાયો વિષે પહેલા વાત કરીએ.
ભારતની અનુસૂચિત જનજાતિઓ આખા દેશમાં ફેલાયેલી છે, તેઓમાં ઘણી વિવિધતા છે…
આંદામાનના સેંટીનેલી, પૂર્વોત્તરના મણિપુરના મૈતેયી અને અસમના અહોમ સિવાયના કેટલાય સમૂહો, ગુજરાતના ભીલ, ઝાડખંડના સંથાલથી લઈને જૂનાગઢના સિદ્દી કે ગીર નેસમાં રહેતા સમુદાયો સરકારે નિયત કરેલ જનજાતિઓમાં અને એટલે સામાન્ય રીતે આદિવાસીઓમાં ગણાય છે.
એમને આપણે જનજાતિ કહીએ અને તેના પર્યાય રૂપે આદિવાસી અથવા જનજાતિ આદિવાસી કહીએ પણ દેખીતી રીતે જ એ બધા સમુદાયો એક સમાન નથી, તેમાં ઘણી વિવિધતા છે.
કેટલાક સમુદાયો મૂળ નિવાસી એ અર્થમાં આદિવાસી નથી જણાતા કેમ કે એ કેટલાક સમુદાયો સ્પષ્ટપણે વર્તમાન ભારતની સીમાઓની બહારથી આવેલા છે.
જેમ કે મણિપુરના કેટલાક કુકી / ચિન લોકો મ્યાનમારથી અવૈધ રીતે આવેલા છે.
સિદ્દી તો સ્પષ્ટપણે આફ્રિકાથી આવેલા છે.
એમને આદિવાસી ગણવા માટે આપણા જનજાતિ આદિવાસીઓ સંમત ન હોય તે સ્વાભાવિક છે.
જેમ કે બહારથી આવેલા અને વટલાયેલા કુકી કે ચિન લોકોને મૈતેયી લોકો જનજાતિ ગણવા સંમત નથી.
બીજી બાજુ મૈતેયીને અને તાઈ અહોમને માત્ર તેઓ હિંદુ હોવા કે હિંદુ જેવા હોવા કે હિંદુ વિરોધી ન હોવાને કારણે ખોટી રીતે જનજાતિ ગણવામાં નથી આવ્યા.
અવૈધ રીતે આવેલા કુકી લોકો દ્વારા વનમાં અફીણની અવૈધ ખેતી અને અવૈધ વ્યાપાર એ એક કારણ છે મણિપુર સળગી રહ્યું છે એનું…બીજું પ્રમુખ કારણ છે – મૈતેયીને જનજાતિ આદિવાસી ન ગણીને કરેલો અન્યાય.
ટૂંકમાં અનુસૂચિત જનજાતિઓના ૧૦૦ ટકા બધા જ સમુદાયો ભારતના મૂળ નિવાસી એ અર્થમાં જનજાતિ આદિવાસી ગણી શકાય તેવું નથી, કેટલાક ભારત બહારથી આવેલા છે.
ત્યાં સુધી કે સંથાલ સમુદાય જનજાતિઓમાં ત્રીજા ક્રમે આવતો મોટો સમુદાય છે પણ તેઓ કમ્બોડિયાથી આવ્યા હોવાનું કહેવાય છે. કહે છે કે સંથાલ વિચરતી જાતિ હતી જે ભારતમાં આવી છોટાનાગપુરમાં સ્થિર થઈ વસી.
હવે જે મૂળ નિવાસી અર્થમાં જનજાતિ આદિવાસી છે તેઓ પોતાની સંસ્કૃતિ જાળવી રાખે તો જ જનજાતિ અને તદનુસાર આદિવાસી ગણાય.
પણ કેટલાક જનજાતિ આદિવાસીઓ સંજોગોને આધીન ખ્રિસ્તી, મુસ્લિમ કે નકસલવાદી બની ગયા અને પોતાની મૂળ સંસ્કૃતિને તેમણે છોડી દીધી. સરકારી લાભો લેવા માટે તેઓ પોતાને જનજાતિ આદિવાસી ગણાવે છે. તેમને જનજાતિ ન ગણવા માટે ડી લિસ્ટીંગનું આંદોલન ચાલે છે. (ઉપર જણાવ્યું તેમ મોટા ભાગના કુકી ખ્રિસ્તી થઈ ગયેલા છે અને છતાંય જનજાતિ આદિવાસી ગણાય છે.) આવા વટલાયેલા લોકોને અનુસૂચિત જનજાતિ અને જનજાતિ આદિવાસી ન ગણવા જોઈએ.
સાચા ભારતીય મૂળના જનજાતિ આદિવાસીઓ એમને જનજાતિ આદિવાસી ગણવાનો વિરોધ કરે તે ઉચિત અને સહજ છે.
જનજાતિ આદિવાસીઓમાં કોણ સાચા મૂળ નિવાસી જનજાતિ આદિવાસી અને કોણ મૂળ નિવાસી જનજાતિ આદિવાસી નથી તે જોયા પછી જે શેષ ભારતીયો છે તેમના વિશે સમજીએ.
પણ તે પહેલા –
ભારતમાં આક્રાંતાઓ, ઘુસણખોરો, શરણાર્થીઓ, અન્ય આગંતુકો કે આપ્રવાસીઓ આવતા રહ્યા છે અને તેમાંથી જેમનું ભારતીયકરણ નથી થયું તે બધા તો આદિવાસી ન જ ગણાય તે સ્વયંસ્પષ્ટ છે તે નોંધી લઈએ. મુસ્લિમ કે ખ્રિસ્તી ભારતીય મુખ્ય પ્રવાહમાં ન ભળ્યા હોય અથવા તો જેઓ વટલાઈને ખ્રિસ્તી કે મુસ્લિમ બન્યા હોય અને ભારતીય મુખ્ય પ્રવાહ સાથે ઓળખાવા ન માંગતા હોય તો તે પણ આદિવાસી ન જ ગણાય. ઉપર કહ્યા પ્રમાણે મૂળે જનજાતિ આદિવાસી હોય પણ પ્રકૃતિ પૂજા કે સંસ્કૃતિ છોડી વટલાયા હોય તે પણ જનજાતિ આદિવાસી ન જ ગણાવા જોઈએ.
બીજી બાજુ – મધ્યકાળમાં બહારથી આવેલ શક, હૂણ, કુષાણ, યવન જેવા કેટલાય સમુદાયોએ ભારતીય બનવાનું સ્વીકાર્યું અને ભારતીય સમાજમાં તેઓ એવા ભળી ગયા કે તેમને ભિન્ન તારવવાનું અઘરું થઈ જાય. તેમને આદિવાસી ન ગણીએ, પણ તેમને ભારતીયોથી ભિન્ન ઓળખી શકાય તેવું રહ્યું નથી. તેમાંના કેટલાક અગ્નિવંશી કહેવાય છે. તે પછી જોઈએ તો પારસી, બહાઈ, યહૂદીઓ જેવા બીજા પણ આવ્યા. તેઓ પણ ભારતીયો સાથે સંપીને રહ્યા. તેમનો કોઈ વિરોધ નથી થતો. તેઓને આદિવાસી કહેવાનો કોઈ પ્રશ્ન નથી, પણ તેઓ દૂધમાં સાકરની જેમ ભળીને રહ્યાં છે. અર્વાચીન સમયમાં ભારત વિભાજન થતાં સિંધી ઇત્યાદિ બીજા પણ ઘણા આવ્યા, તે પણ સંપીને રહ્યાં છે. તેઓ તો અખંડ ભારતના જ વાસી હતા. તેમને પણ ભિન્ન ગણવાનું અઘરું છે. હજુ પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી પ્રતાડિત મૂળ ભારતીયો નિરાશ્રિત કે શરણાર્થી કે આપ્રવાસી તરીકે અહીં આવે છે અને તેમને સરકાર અને લોકો પોતાનામાં સમાવે છે. તેઓ પણ અહીં ભળીને હળીમળીને રહે છે. તે માટે અધિનિયમ પણ બન્યો જેનો ભારતના અહીંના જ ભારતીય મુખ્ય પ્રવાહમાં ન ભળેલા મુસ્લિમોએ ખોટી રીતે વિરોધ કર્યો.
સમગ્ર રીતે જોતાં કોઈ સમુદાયના ભારતમાં વસતા લોકોને જનજાતિ કે અન્ય જાતિ આદિવાસી ગણવા કે નહીં ગણવા તે સમજવા જેવો વિષય છે.
હવે ઉપર કહ્યા તે સિવાયના શેષ ભારતીયો એટલે કે હિંદુઓ એટલે કે કે આર્યો – દ્રવિડો એમની વાત કરીએ. આ અન્ય જાતિના સમુદાયો પરાપૂર્વ ઇતિહાસથી ભારતમાં જ વસતા હોય તેમ જણાય છે. તેઓ મૂળ નિવાસી અર્થમાં આદિકાળથી ભારતમાં જ વસેલા જણાય છે. અને તેઓ જનજાતિ આદિવાસી સાથે સંઘર્ષમાં હોય તેવું નથી. એટલે જનજાતિ આદિવાસી હોય અને જનજાતિ આદિવાસી ન હોય એટલે કે અન્ય જાતિ આદિવાસી હોય – તે બન્ને એકબીજાના શત્રુ હોય તેવું નથી.
જનજાતિ અને અન્ય જાતિ સમુદાયોમાં સામાજિક દૃષ્ટિએ ભિન્નતા શું છે?
અન્ય જાતિ સમુદાયોમાં એકબીજા પર આધારિત જાતિઓ યુક્ત સમાજ રચના જોવા મળે છે જેમાં કાળક્રમે જાતિઓ રૂઢ થવાથી જન્મ આધારિત જાતિ રચના થઈ ગયેલ હોય છે જે પહેલા ચાર વર્ણ પ્રમાણે કર્મ આધારિત રચના હતી. જાતિઓ સ્થાપિત થઈ ગયેલ હોઈ લગ્ન જાતિ અંદર થાય તેવું પ્રચલિત હતું જે હવે બદલાતું જાય છે. ઉપરાંત સમાજમાં લાંબા ગાળે વિકૃતિ આવવાથી જાતિઓ ઉંચી કે નિમ્ન ગણાતી હોય તેવું જોવા મળે છે જે પરતંત્ર કાળમાં વધુ વિકૃત થયેલ જોવા મળે છે. હવે તેમાં સુધારાનો સમય સ્વતંત્રતા સાથે આવેલ હોવાનું જોવા મળે છે. પરંતુ ભારતે અપનાવેલ રાજ્ય વ્યવસ્થામાં પક્ષીય રાજકારણ અંગ્રેજી કુટિલતાને અનુસરી ભાગલા પાડો અને રાજ કરો તેવી કૂટનીતિ અપનાવીને જ્ઞાતિનું જડત્વ વધારે છે તેવું પણ જોવા મળે છે.
તો જનજાતિ સમુદાયોમાં જટિલતા – જડત્વ – કાર્ય વિભાજન નથી, કાળક્રમે નિષ્કાષિત વસવાટ કે સંકટ સમયના વસવાટ કે અંતરિયાળ વન વસવાટ કે યુદ્ધ જેવી સ્થિતિઓમાં કામચલાઉ વસવાટમાં ભેદભાવરહિત થઈ આપદ ધર્મ સમજી બધા બધું કાર્ય કરતા હોય તેવા સમુદાયો સર્જાયા હોય છે.
ભારત જેવા સુદીર્ઘ ઇતિહાસ ધરાવતા દેશમાં એક જ મૂળ ધરાવતા પૂર્વજોના વંશજો કાળક્રમે આવા વિભિન્ન સમુદાયોમાં પરિણમે તે સહજ છે. એટલે જ વિવિધતામાં એકતા એમ કહેવાય છે.
ભારતીય અને વિદેશી સમાજ શાસ્ત્રીઓએ નોંધ્યું છે કે જનજાતિ આદિવાસીઓનું ભારતીયકરણ અને અન્ય જાતિ આદિવાસીઓનું જનજાતિકરણ એ સમય સંજોગો પ્રમાણે સતત ચાલતા સામાજિક પ્રવાહ અને પ્રતિપ્રવાહ છે. વિભિન્ન કારણોથી જનજાતિઓ જાતિ બન્યા હોય અને જાતિઓ જનજાતિ બન્યા હોય તેવું ચાલ્યા કર્યું છે.
આ જ વાત વધુ સ્પષ્ટરૂપે કહીએ તો શેષ ભારતીયો એટલે કે વન સિવાયના વિસ્તારોમાં એટલે કે ગામોમાં, નગરોમાં, મહાનગરોમાં રહેતા લોકો કે જે સહસ્ત્રો વર્ષોથી ભારતમાં જ રહે છે અને જેમને અન્ય જાતિ આદિવાસીઓ કે મૂળ નિવાસીઓ કહી શકાય તેઓ આ વનોમાં રહેતા કે હવે બધે જ રહેવા લાગેલા જનજાતિ આદિવાસીઓના વિરોધીઓ કે શત્રુઓ નથી. ઉલટું, બન્ને એકબીજા સાથે ભળતા હોય છે અને એકબીજાનું જે સારું લાગે તે સ્વાભાવિક રીતે અપનાવે છે.
ઉદાહરણ રૂપે – અત્યારે સમાન નાગરિક સંહિતાની ચર્ચા થાય છે તો બધા સર્વ સમ્મતિથી કહે છે કે જનજાતિ આદિવાસી સમુદાયોમાં સ્ત્રીનું મહત્ત્વ છે તેવું મહત્ત્વ અન્ય જાતિઓમાં અને બધાં ભારતીયોમાં હોવું જોઈએ. વળી જાતિઓમાં ભેદભાવથી જે કલુષિત સ્થિતિ થઈ છે તે પણ જનજાતિઓમાં નથી તો તે ઉપયોગી લાગે છે. એટલે સમાન નાગરિક સંહિતા જનજાતિઓને નહીં લાગુ પડે તેમ કહેવાય છે.
એક બીજું પણ દૃષ્ટાંત છે – જનજાતિ સમુદાય જેમ આંતરિક કે બાહ્ય સંકટોમાં એકતા જાળવી રહેલ છે તેમ કાશ્મીરી હિંદુઓ કે પંડિતોમાં પણ તેવું જ જોવા મળે છે. સતત બાહ્ય આક્રમણો વચ્ચે તેઓમાં જ્ઞાતિઓ ભૂંસાઈ ગઈ અને તે બધા પંડિતો કે હિંદુઓ તરીકે ઓળખાવા લાગ્યા.
પણ તેથી શેષ ભારતીયો આ પ્રકારના સમુદાયોના શત્રુ નથી બની જતા. પરિસ્થિતિ સમજી સૌ એ સમુદાયોને સ્વીકારે છે, હળીમળીને રહે છે.
પહેલા એ જોઈએ કે વનમાં રહેતા જનજાતિ આદિવાસીઓ અન્ય વિસ્તારોમાં વસતા થયા છે તેમનો શું અનુભવ રહ્યો છે.
આજે ઘણા બધા આપણા જનજાતિ આદિવાસીઓ વનમાં રહેતા નથી. ગામોમાં, નગરોમાં અને મહાનગરોમાં રહે છે. સરકારી આરક્ષિત નોકરીઓ કરતા હોય તેમણે નગરોમાં સ્થળાંતર કર્યું હોય છે. તે સિવાય મોટા પ્રમાણમાં જનજાતિ આદિવાસી શ્રમિકો નગરોમાં સ્થળાંતર કરીને શ્રમ માટે આવેલા છે. બાળકોને ભણાવવા પણ જનજાતિ આદિવાસી પરિવારો નગરોમાં આવેલા છે. તો વળી વનો અને ગામોનું પણ નગરીકરણ થતું જાય છે. જનજાતિ આદિવાસીઓની જીવન પદ્ધતિ પણ સાહજિક રીતે બદલાતી જાય છે.
જનજાતિ આદિવાસીઓ નગરોમાં આવે છે ત્યારે નગરજનો સાથે હળીમળીને કામ કરે છે. કોઈ વિરોધ જોવા મળતો નથી. બધા એકબીજાના પૂરક બનીને રહે છે.
ભારતીય જનજાતિ આદિવાસીઓ અને શેષ અન્ય જાતિ ભારતીયો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા ભારત વિરોધીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવે છે, તો પણ બધા ભારતીય સમુદાયો બધે સંપીને રહે છે .
જનજાતિ આદિવાસીઓ જાણે છે કે ભારતમાં જનજાતિ આદિવાસીઓની સંખ્યા વધતી રહી છે અને તેમની પ્રગતિ થઈ રહી છે. આ સમુદાયોની વિકટ સ્થિતિ સમજીને જનજાતિ આદિવાસીઓની પ્રગતિ થાય તે માટે આરક્ષણની વ્યવસ્થા સકારાત્મક પગલા તરીકે સરકાર દ્વારા કરવામાં આવી છે.
એવો ઇતિહાસ નથી કે યુદ્ધો થયા હોય જેમાં જનજાતિ આદિવાસીઓને શેષ ભારતીય અન્ય જાતિ મૂળ નિવાસીઓએ નામશેષ કરી દીધા હોય. એવો ઇતિહાસ અવશ્ય છે કે મુસ્લિમો અને અંગ્રેજો ઇત્યાદિએ વનોમાં રહેતા જનજાતિ આદિવાસીઓ પર આક્રમણ કર્યા હોય અને ભયંકર યુદ્ધો થયા હોય. અને ઘણા યુદ્ધોમાં જનજાતિ આદિવાસીઓ એ શેષ ભારતીયોની જેમ અથવા સાથે મળીને તેમને પરાજિત કર્યા હોય. સરાઈઘાટ કે હલ્દીઘાટી કે માનગઢ ઘણું કહી જાય છે.
વર્તમાનમાં આપણે જાણીએ છીએ કે લોકપ્રિય સરકારના પ્રયાસોથી પ્રથમ વાર રાષ્ટ્ર પ્રમુખ પણ જનજાતિ આદિવાસી મહિલા છે.
એટલે યુરોપીયનોએ જ્યાં ગયા ત્યાં મૂળ નિવાસીઓનું નિકંદન કાઢી નાંખ્યું હતું તેવું આપણે ત્યાં મુસ્લિમો અને યુરોપિયનો કે અંગ્રેજો આવ્યા તે પહેલાં આપણા જ ભારતીયો કે જેઓ અન્ય જાતિ આદિવાસીઓ છે તેમના દ્વારા જનજાતિ આદિવાસીઓ સાથે થયું હોય તેમ જણાતું નથી.
ભારત પર આક્રમણ કરનાર મુસ્લિમો કે અંગ્રેજો પણ ભારતમાં તેમ કરી શક્યા નથી કેમ કે ભારત જેવા વિશાળ અને સાંસ્કૃતિક એકતા ધરાવતા દેશમાં કે જ્યાં જ્યાં ઠેર ઠેર ધર્મ અને સંસ્કૃતિ માટે, જીવન મૂલ્યો માટે બલિદાન આપવા તત્પર લોકો જનજાતિઓમાં અને અન્ય જાતિઓમાં જોવા મળતા હતા ત્યાં તેઓ આવો સર્વનાશ કરી ન શક્યા. કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી…
આપણે ત્યાં તેઓ અને તે પહેલા આવેલા આક્રાંતાઓએ અનેક અત્યાચારો આપણા સૌ પર કર્યા તો પણ આપણે આપબળે ટકી રહ્યાં. અને એ વિદેશીઓ છેવટે હાર્યા. જો કે દેશ વિભાજિત થતો રહ્યો. આપણે એક થઈશું તો દેશ પણ પુનઃ અખંડ થઈ જશે.
હવે આર્ય, દ્રવિડ અને જનજાતિ આદિવાસી વચ્ચે ભેદ ઉભો કરવાના ષડ્યંત્ર વિશે સમજીએ.
આપણા સૌ ભારતીયોના પૂર્વજો એવા ઋષિમુનિઓ વનમાં / અરણ્યમાં રહેતા હતા અને આપણી ભારતીય સંસ્કૃતિ અરણ્યમાં જન્મી છે અને પાંગરી પણ વનમાં જ છે….તે તો સર્વ વિદિત અને સર્વ સ્વીકૃત છે.
નગર કે ગ્રામ પછીથી વસ્યા.
બ્રહ્માંડની ઉત્પત્તિ, સૂર્ય મંડળની ઉત્પત્તિ, પૃથ્વીની ઉત્પત્તિ અને સૃષ્ટિની ઉત્પત્તિ તથા મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વિસ્તૃત વર્ણન આપણા ગ્રંથોમાં છે.
મનુ-શતરૂપાના અને સપ્તર્ષિઓના સંતાનો તરીકે મનુષ્યની ઉત્પત્તિ અહીં જમ્બુ દ્વીપમાં આર્યાવર્ત, બ્રહ્માવર્ત, ભરત ખંડ, ઉપમહાદ્વીપ – દ્રવિડ પ્રદેશ – દક્ષિણ ભારતથી બનેલ આસેતુ હિમાચલ ભૂ ભાગ એવા ભારતવર્ષમાં જ થઈ.
આપણે સૌ પવિત્ર કાર્ય કરતી વેળાએ કે પૂજા સમયે કે સંસ્કાર કરતી વેળાએ સંકલ્પ લઈએ છીએ. એ સંકલ્પમાં આ ઇતિહાસનો સમય ગણના સાથે સ્પષ્ટ ઉલ્લેખ આવે છે.
મનુષ્ય સમાજમાં કર્મ આધારિત વર્ણો – જ્ઞાતિઓ અને આશ્રમો પ્રમાણે સમાજ વ્યવસ્થા ગોઠવાઈ જે સહસ્ત્રો વર્ષો સુધી સુચારુ રૂપે ચાલી અને સૌને સુખશાંતિ આપતી રહી.
પણ પછી તેમાં શિથિલતા આવતા ઉપર જણાવ્યું છે તેમ જાતિઓના ભેદભાવ ઉભા થયા. તો બીજી બાજુ કેટલાક લોકો મતભેદોના કારણે જાતિચ્યુત કે વર્ણચ્યુત થયા, તેઓ વ્રાત્યો કહેવાયા. બધી દિશાઓમાં તેઓ ચાલ્યા ગયા જેનું વિગતવાર વર્ણન આપણા ઇતિહાસ ગ્રંથોમાં છે. કાળક્રમે તેઓ પરત પણ આવ્યા. પણ બહાર રહેતા રહેતા શિક્ષણ વ્યવસ્થાના અભાવે તેઓના રીતરીવાજ, રહેણીકરણી, વિચાર-ઉપાસના બધું બદલાઈ ગયું. વસિષ્ઠ જેવા અનેક ઋષિઓએ તેમને પણ શિક્ષણ આપવા વ્યવસ્થા ગોઠવી હતી. એક સુદીર્ઘ ઇતિહાસ આ ઘટનાક્રમનો રહ્યો છે. જેમાં જાતિઓ – જનજાતિઓ – જાતિઓ એમ પ્રવાહ ચાલતો રહ્યો છે. સંસ્કરણ અને જનજાતિકરણ ચાલતું રહ્યું છે. જેમ કે ગોંડ જનજાતિ ક્ષત્રિય જાતિ ગણાઇ અને અહોમ પણ ક્ષત્રિય ગણાયા. મહાન સેનાનાયકો અને રાજાઓ રાણીઓ આ સમુદાયોમાં થયા છે.
જનજાતિઓ અને અન્ય જાતિઓ – આર્યો દ્રવિડો સૌ સાથે મળીને અસુરો, રાક્ષસો, દસ્યુઓ, રાવણ-દૂર્યોધન-કંસ જેવા પાપી રાજાઓ, અધર્મીઓ કે જેઓ ઋષિઓને વનમાં પ્રતાડિત કરતા હતા તેમની સામે લડ્યા હતા. રામાયણ, મહાભારત અને પુરાણોમાં આ ઇતિહાસ કથાઓ આલેખાયેલી છે.
જનજાતિ આદિવાસી કે અન્ય જાતિ આદિવાસી સૌ ભારતીયો વનોમાં જ રહેતા હતા. ‘જનજાતિ આદિવાસી પહેલાં નગરોમાં રહેતા મૂળ નિવાસી હતા અને તેમને અન્ય જાતિ હિંદુઓ કે આર્યોએ એટલે કે શેષ ભારતીયોએ વનમાં ધકેલી દીધા’ તેવી ખોટી વાત ભારતીયોમાં ભાગલા પાડવા માટે, આપણને અલગ કરવા માટે “ભાગલા પાડો અને રાજ કરો” તે કૂટનીતિ અન્વયે આપણા શત્રુઓ એવા યુરોપિયનો, અંગ્રેજો, ખ્રિસ્તીઓ, મુસ્લિમો ઇત્યાદિએ અને આજકાલના વિભાજક રાજકારણી તત્ત્વોએ ઉપજાવી કાઢેલી છે.
જનજાતિ આદિવાસી સિવાયના ભારતીયો કે આર્યો બહારથી આવ્યા છે એવું આપણે ત્યાં જનજાતિઓના કે અન્ય જાતિઓના ગ્રંથોમાં કે સાહિત્યકથાઓમાં કે લોકકથાઓમાં ક્યાંય આલેખાયેલું નથી.
અંગ્રેજોએ આવું અસત્ય કેમ ચલાવ્યું?
યુરોપિયનો / અંગ્રેજોએ ભારત સિવાય જ્યાં ગયા ત્યાંના મૂળ નિવાસીઓને કાં તો બંદુકની ગોળીથી મારી નાંખેલા અથવા તો તેઓને રોગગ્રસ્ત કરી દીધા. જીવ બચાવવા તેઓ વનમાં કે અંતરિયાળ વિસ્તારમાં જતા રહ્યા અને એ બચી ગયેલાને આદિવાસી કહીને સંગ્રહાલયમાં રાખ્યા હોય તેમ રાખેલા. અંગ્રેજોએ પોતે આવું કરેલું અને પોતે બહારથી આવેલા એટલે અહીં પણ જનજાતિ સિવાયના અન્ય જાતિ ભારતીય / આર્ય / હિન્દુ એ પણ બહારથી આવ્યા તેમ અસત્ય વાત ચલાવી.
આફ્રિકા જેવા સૌથી વધુ જનજાતિ બહુલ ખંડમાં આપણા લોકો સહસ્ર વર્ષોથી વધુ સમયથી વ્યાપાર કરે છે પણ જેવા યુરોપિયનો ત્યાં આવ્યા કે તેમણે એ આફ્રિકાના જનજાતિઓને અમાનવીય રીતે ‘ગુલામ’ બનાવ્યા. આવું અમાનવીય કુકૃત્ય કરવાનું આપણે કદી વિચાર્યું પણ નહોતું. પોતાના આવા શ્રેણીબદ્ધ દુષ્કૃત્યોનો ઢાંકપિછોડો કરવા અને આપણને વિભાજિત કરવા તેમણે અહીં પણ અન્ય જાતિઓ દ્વારા જનજાતિઓ પર આવું જ કરવામાં આવ્યું છે એમ ષડ્યંત્ર ચલાવ્યું.
એટલે પુનઃ નોંધીએ કે અન્ય જાતિ લોકો બહારથી આવ્યા હોય અને ભારતમાં આવીને અહીં રહેતા દ્રવિડ કે જનજાતિ આદિવાસી સાથે લડ્યા હોય અને તેમને નગરોમાંથી વનોમાં જવા વિવશ કર્યા હોય તેવો કોઈ ઇતિહાસ ભારતીયોના કોઈ ગ્રંથમાં નથી.
પહેલું તો એ છે કે આર્ય કોઈ જાતિ સૂચક શબ્દ જ નથી. આર્ય એટલે સંસ્કારી.
બીજું, આર્ય કોઈ બીજા દેશમાં રહેતા હોય તેવું આપણા કોઈ પ્રાચીન ગ્રંથમાં નથી. આર્યો કે બધા ભારતીયો અહીં જ ભારત વર્ષમાં ઉત્પન્ન થયા તેવો ઇતિહાસ છે.
ત્રીજું, આર્ય અને અનાર્ય એટલે અધર્મી વચ્ચે યુદ્ધો થયા અને કાળક્રમે આંતરિક યુદ્ધો પણ થયા પરંતુ જનજાતિ આદિવાસી કે દક્ષિણના દ્રવિડ વિરુદ્ધ અન્ય જાતિ ભારતીયો એવા જાતિગત યુદ્ધ થયા નથી કેમ કે એવી કોઈ શત્રુતા જ ન હતી. રામ રાવણ યુદ્ધને કોઈ એવું જાતિગત યુદ્ધ નથી કહેતું. એ ધર્મ અને અધર્મનું યુદ્ધ જ ગણાય છે. આર્ય એટલે સનાતની અને અનાર્ય એટલે અધર્મ આચરનાર. એવા ધર્મ યુદ્ધમાં આર્યો એટલે કે અન્ય જાતિઓ સાથે જનજાતિઓ અને દ્રવિડો પણ જોડાયા હતા અને અધર્મીઓનો નાશ કર્યો હતો. આપણા ઇતિહાસમાં – રામાયણ, મહાભારત કે પુરાણોમાં – જનજાતિ આદિવાસી કે દક્ષિણ ભારતીય અન્ય જાતિ આદિવાસી દ્રવિડો સાથે ઉત્તર ભારતીય અન્ય જાતિ આદિવાસી આર્યોના યુદ્ધનું કોઈ વર્ણન નથી. ઉલટું અધર્મીઓ સાથેના યુદ્ધોમાં ઉત્તર ભારતીય અન્ય જાતિ આર્યો, જનજાતિઓ અને દક્ષિણ ભારતીય અન્ય જાતિ દ્રવિડો સાથે રહીને લડેલ તેવું બનતું રહ્યું છે. આવું જ સ્વતંત્રતા ચળવળમાં પણ જોવા મળે છે – આસેતુ હિમાચલ સૌએ સાથે મળી ભારતને સ્વતંત્ર કરેલ છે.
ચોથું, આર્ય વનોમાં જ રહેતા હતા એટલે જેમની સાથે લડ્યા તેમને વનોમાં હાંકી કાઢવાની વાત ખોટી છે તે તરત સમજાય છે કેમ કે તેઓ સૌ વનમાં જ રહેતા હતા.
પાંચમું, ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ ખીણ સભ્યતા વાસ્તવમાં સરસ્વતી સભ્યતા હતી. વનોમાંથી નગરોમાં આવેલ આર્યોની જ ઉત્તર કાળની સભ્યતા હતી એટલે તેના પર આર્યો આક્રમણ કરે તેવી વાત ક્યાંય લખેલી મળતી નથી અને બંધ બેસતી નથી.
છ – આપણા ઇતિહાસ પ્રમાણે આપણા રાષ્ટ્રના ઉષાકાળથી જ સૂર્ય વંશ અને ચંદ્ર વંશ અહીં શાસન કરતા હતા અને સૃષ્ટિના પ્રાદુર્ભાવ સાથે વૈદિક સંસ્કૃતિ અહીં જ ઉદભવી હતી.
જનજાતિ આદિવાસીઓ અને શેષ અન્ય જાતિ આર્યો – દ્રવિડોની વચ્ચે શું સંબંધ હતો તે આ સંદર્ભે સમજવું રહ્યું.
વાસ્તવમાં જનજાતિ આદિવાસી શેષ અન્ય જાતિ આર્યો – દ્રવિડો, ભારતીયો કે હિંદુઓ સૌ એક જ મૂળના ઋષિ કૂળના છે, તેઓ કાળક્રમે ભિન્ન સ્થળોએ રહેવા લાગેલા હતા એટલે ભિન્ન દેખાય છે પણ શત્રુઓ નથી, બાંધવો છે.
સત્ય એ છે કે આપદ ધર્મમાં ઝઝૂમતા જનજાતિ આદિવાસી સમુદાયો તો ક્ષાત્ર તેજ ધરાવતા ક્ષાત્ર ધર્મીઓ છે. તેઓ ભાલા તીર કામઠા ધારી સેનાનીઓ છે.
શંકર ભગવાન કૈલાસપતિ કહેવાય છે, પર્વત નિવાસી. હિમાલય પુત્રી પાર્વતી ભીલ કન્યા કહેવાય છે.
રામાયણમાં સત્યના પક્ષે લડનારા જાંબુવાન, સુગ્રીવ, હનુમાન, અંગદ, નલ, નીલ આ બધા જનજાતિ આદિવાસી હતા. શબરી ભીલ હતી. નિષાદ રાજ પણ વનવાસી હતા.
મહાભારત યુદ્ધમાં પણ જનજાતિ યોદ્ધાઓ ધર્મના પક્ષે લડ્યા હતા.
મહારાણા પ્રતાપ-શિવાજી મહારાજની સેનામાં ભીલ અને અન્ય જનજાતિ આદિવાસીઓ હતા.
સાબરકાંઠા-અરવલ્લીમાં શામળાજીને કાળીયા ઠાકર તરીકે સૌ જનજાતિ આદિવાસીઓ પણ પૂજે છે. ત્યાં મેળામાં લોક મહેરામણ ઉમટી પડે છે. શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો મેળો છે. આ મેળામાં જનજાતિ આદિવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે, તેઓ શામળાજી (બળીયા બાવજી)માં પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનમાંથી પણ લોકો આ મેળામાં આવે છે. જનજાતિ આદિવાસી લોકગીત છે – શામળાજીના મેળે રણઝણ્યું રે પેંજણ્યું વાગે…
જનજાતિ અગ્રણી જોરિયા પરમેશ્વર, શંભુધન ફુંગલો, ભગવાન બિરસા મુંડા, રાણી ગાઈદિનલ્યુ, રાણી દૂર્ગાવતી, લાચિત બોરફૂકન આ સૌએ ભારત અને ભારતીય સાથે જ પોતાને જોડેલ અને સમસ્ત ભારતીયો તેમને પોતાના અગ્રણી ગણી માન આપે છે.
ડાંગ દરબારના પાંચ જનજાતિ આદિવાસી રાજાઓ પૈકી કોઈ કોઈ પોતાને સૂર્યવંશી ગણાવે છે.
ભીલ જનજાતિ આદિવાસી પોતાને હિંદુ ભીલ ગણાવે છે. અહોમ, ત્રિપુરી, મૈતેયી, ગોંડ આ સૌ ખુલીને હિંદુ હોવાનું લખે છે, અને પ્રકૃતિ પૂજા પણ અન્ય ઉપાસના માર્ગોની જેમ આપણો ભારતીય ઉપાસના માર્ગ જ છે.
જનજાતિ ભીલ આદિવાસીઓમાં કેટલાકની માલીવાડ અટક કેવી રીતે આવી? અમારા એક માલીવાડ અગ્રણી શ્રી રામભાઈ માલીવાડ કહે છે કે બે ક્ષત્રિયોએ માળીઓને બચાવેલા એટલે તેમના વંશજો માલીવાડ કહેવાયા.
સંશોધન કરીએ તો જનજાતિ આદિવાસીઓની અટકો કેવી રીતે આવી તે પરથી ઘણું સત્ય સામે આવશે. જનજાતિ સમુદાયોમાં વ્યક્તિઓના નામ અને અન્ય જાતિ સમુદાયોના વ્યક્તિઓના નામ એક સરખા જ જોવા મળે છે. રામભાઈ માલીવાડ, અનિલ તાવિયાડ, શંકરભાઈ ડામોર, સોમભાઈ ડામોર ઈત્યાદિ. ડુંગરપુર બાંસવાડા પંચમહાલ વિસ્તારમાં સ્વતંત્રતાનો શંખ ફૂંકનાર માનગઢના ગુરુ ગોવિંદ વેદને અનુસરી યજ્ઞ કરવાનું કહેતા હતા. તેઓ મહર્ષિ દયાનંદ સરસ્વતી પાસે ઉપદેશ લેવા અને કાર્ય કરવા ગયા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમને જનજાતિ આદિવાસી સમાજને સંગઠિત અને સુગઠિત કરવા કહ્યું હતું
ભારત વિરોધી તત્ત્વોના ઉશ્કેરણી કરવાના અને ‘ભાગલા પાડો રાજ કરો’ એ કુટિલ ષડયંત્રમાં ફસાઈ ન જઈએ. આપણે આપણી દિવ્ય ભવ્ય સંસ્કૃતિને જાળવીએ. અખંડ ભારત – સમરસ ભારત – સમૃદ્ધ ભારત બનાવીએ. ભારતમાતા કી જય.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?